મોરબીમાં ચાલતી એક માત્ર સિટી બસ સેવા પણ બંધ, રીપેર બિલના વાંકે પૈડાં થંભી ગયાસિટી બસ સેવા બંધ થતાં લોકોને લૂંટી રહ્યા છે રીક્ષા ચાલકો, પેસેન્જર પાસેથી 30થી 40 રૂપિયા સુધીના ભાડા વસુલાય છેમોરબી : મોરબી શહેરના નાગરિકોના ભાગ્યમાં સિટી બસ સેવા લખેલી જ ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. નગરપાલિકા શાસનમાં રગડ ધગડ બસ સેવાનું ગાડું ચાલ્યા બાદ મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો મળવા છતાં પણ એક વર્ષને બે મહિના બાદ પણ લોકોને સિટી બસ સેવા ઉપલબ્ધ નથી બની ઊલટું કોર્પોરેશન સંચાલિત એક માત્ર મોરબી -લજાઈ રૂટની સિટી બસ પણ છેલ્લા 38 દિવસથી રીપેરીંગ બિલના વાંકે બંધ થઈ જતા લોકો ઉંચા રીક્ષા ભાડા ચૂકવવા મજબુર બન્યા છે.મોરબી શહેરમાં નગર પાલિકા સમયમાં સામાકાંઠા, લીલાપર રોડ, લજાઈ સહિતના વિવિધ વિસ્તારમાં સિટી બસ સેવા ઉપલબ્ધ હતી. જે બાદ સિટી બસ કોન્ટ્રાકટ પદ્ધતિથી ચલાવવામાં આવ્યા બાદ બસ સેવાને ગ્રહણ લાગતા અંતે એક વર્ષ અને બે માસ પૂર્વે મહાનગર પાલિકાએ સિટી બસનો કારભાર પોતાના હસ્તક સંભાળી લઈ અલગ અલગ ત્રણ સિટી બસ ચાલુ રાખી હતી. જો કે, ગત તા.22 જાન્યુઆરી 2026થી મહાનગર પાલિકાની સિટી બસ ખોટવાઈ જતા હાલમાં રિપેરીંગમાં પડેલી બસના બિલ ચુકવવામાં આવ્યા ન હોવાથી એક માત્ર લજાઈ રૂટ પર દોડતી સિટી બસ પણ બંધ થઈ છે અને લોકો રીક્ષામાં મુસાફરી કરી લૂંટાવા મજબુર બન્યા છે.સિટી બસના રૂ.10 ભાડા સામે રીક્ષાના 30થી 40 રૂપિયામોરબી કોર્પોરેશન દ્વારા એક માત્ર ગાંધીચોકથી લજાઈ રૂટ પર સિટી બસ સેવા ચાલુ હતી જેમાં બસસ્ટેન્ડ, ઉમિયા સર્કલ, ભક્તિનગર, શનાળા, વિરપર અને લજાઈ સુધી લોકો માત્ર રૂ.10 ભાડું ચૂકવી મુસાફરી કરી શકતા હતા. પરંતુ સિટી બસ બંધ થતાં હાલમાં લોકોને રીક્ષાચાલકોને રૂપિયા 30થી 40 સુધીના ભાડા ચૂકવવા પડી રહ્યા છે.એક બસ ફિટનેસના વાંકે બીજી બિલના વાંકે અને ત્રીજી રિપેરના વાંકે બંધમોરબી મહાનગર પાલિકા પાસે કુલ ત્રણ બસ છે. જેમાં એક બસ દોઢ મહિનાથી રીપેરીંગ કરવા આપી છે ત્યાંથી હજી સુધી આવી નથી બસમાં રિપેરિંગ કામ થઈ ગયું છે પરંતુ બિલના વાંકે બસ આવી નથી. જ્યારે અન્ય એક બસ ફિટનેશને વાંકે બંધ છે અને એક બસ રાજકોટ કંપનીમાં રીપેરીંગ માટે મોકલવામાં આવી હોવાનું કોર્પોરેશનના સુત્રો જણાવી રહ્યા છે.