પંચ વર્ષીય નહિ પરંતુ દસ વર્ષીય આવાસ યોજનામાં ગોલમાલ ગોટાળા ગરીબોને આવાસ મળે કે ન મળે પાલિકા કૃપાથી કોન્ટ્રાકટર માલામાલ થઈ ગયો : અધૂરું કામ છતાં તમામ નાણાં ચૂકવાઈ ગયા, હવે ડિપોઝીટ ડૂલ કરવા તજવીજ મોરબી : મોરબીમાં ઘરના ઘરનું સ્વપ્ન જોઈ આવાસ યોજના માટે ફોર્મ ભરનાર અનેક લોકોની મહેચ્છા અધૂરી રહે તેવી સ્થિતિ વચ્ચે પાલિકાના કોન્ટ્રાકટરે અધૂરું કામ મૂકી ઉચાળા ભરી લેતા નગરપાલિકા તંત્ર પણ બરાબરનું ફસાયું છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે, વર્ષ 2015માં અમદાવાદની કોન્ટ્રાકટર કંપનીને 608 આવાસો બનાવવાનું કામ સોંપાયા બાદ આજે સાત-સાત વર્ષે પણ કામ અધુરું છે, છતાં પણ તમામ 18 કરોડનું પેમેન્ટ ચૂકવી દેવાતા પાલિકા ફસાઈ છે અને કોન્ટ્રાકટરની 97 લાખની ડિપોઝીટ જપ્ત કરી કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટેડ કરવા તજવીજ શરૂ કરી છે. મોરબી નગરપાલિકા દ્વારા વર્ષ 2013માં મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઝૂંપટપટ્ટીમાં રહેતા કે આશરા વગરના ગરીબોને ઘરનું ઘર બનાવી આપવા માટે સસ્તા દરે લીલાપર રોડ ઉપર અને કામધેનુ પાર્ટી પ્લોટ નજીક બાયપાસ ઉપર નવા અવાસો બનાવી દેવાનું કામ હાથ ઉપર લેવામાં આવ્યું હતું. જો કે લીલાપર રોડ ઉપર તો આવાસોનું કામ પૂરું થઈ ગયું અને લોકો રહેવા ગયા ત્યારે કામ ઢંગધડા વગરનું હોવાનો વિવાદ થયો હતો.જ્યારે નગરપાલિકાએ અમદાવાદની ક્રિષ્ના કન્ટ્રકશન નામની કોન્ટ્રાકટ કંપનીને બાયપાસ ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ 18 કરોડના ખર્ચે 608 મકાનો બનાવવાનું કામ સોંપ્યું હતું અને વર્ષ 2013માં આ કામનો વર્ક ઓડર આપ્યા બાદ વર્ષ 2015માં આવાસો બનવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને એક વર્ષમાં આ તમામ મકાનોનું નીતિ નિયમ મુજબ યોગ્ય રીતે કામ પૂરું કરવાની મુદત અપાઈ હતી. જો કે, એક વર્ષની મુદતના આ કામને આજે સાત સાત વર્ષ વીતી જવા છતાં આવાસોનું કામ હજુ અધૂરું છે. જો કે વચ્ચેના સમયગાળામાં નગરપાલિકામાં નવી બોડી આવતા આ પ્રધાનમંત્રી આવાસોનો ડ્રો પણ કરવામાં આવ્યો હતો અને તમામ લાભાર્થીઓને ડ્રોમાં મકાન પણ લાગી ગયા હતા. પણ હજુ સુધી ફાળવણી કરાઈ નથી, કારણ કે ખાલી બિલ્ડીંગનું ખોખું જ તૈયાર છે. મકાનમાં બારી-બારણાં, વોશિંગનું કામ, વોટર, ડ્રેનેજ કનેક્શન, કંપાઉન્ડ વોલ, ફિનિશિગ વર્ક, બાગ બગીચા સહિતના ઘણા બધા કામો હજુ કરાયા જ નથી. પરિણામે આ નવા બનેલા આવાસો ખંઢેર બની ગયા છે. કામ અધૂરું હોવાથી નગરપાલિકા મકાનો લાભાર્થીઓને સોંપી પણ શકતી નથી. આ કોન્ટ્રાકટ કંપનીને નગરપાલિકાએ નોટિસ આપી હોવાથી છતાં મચક આપતી નથી. ત્યારે નગરપાલિકા હવે આ કંપની સામે કેવી કાર્યવાહી કરશે તેમજ લાભાર્થીઓને સંપૂર્ણપણે તૈયાર થયેલા મકાનો મળશે કે કેમ ? તેની સામે પ્રશ્નાર્થ સર્જાયા છે. કોન્ટ્રાકટરની ડિપોઝીટ જપ્ત કરી બ્લેક લિસ્ટેડ કરાશે મોરબી પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, આવાસો તૈયાર ન થાય હોય એ પહેલાં અમદાવાદની કોન્ટ્રાકટ કંપનીને તમામ પેમેન્ટ પણ ચૂકવાઈ જતા હવે તેની સામે આગળની કાર્યવાહી કરવા માટે નગરપાલિકાની બોડીને જાણ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ કોન્ટ્રાકટ એજન્સીની રૂપિયા 97 લાખની ડિપોઝીટ પાલિકા પાસે હોય અધૂરું કામ છોડવા સબબ આ ડિપોઝીટ જપ્ત કરવા પણ પાલિકાએ કાર્યવાહી શરુ કરી છે સાથે જ કંપનીને બ્લેક લિસ્ટ કરવા પણ તખ્તો તૈયાર કરાયો છે. 5 કરોડનું કામ પડતું મૂકીને કોન્ટ્રાકટરે ઉચાળા ભર્યા ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ કોન્ટ્રાકટ કંપનીને નોટિસ ફટાકરી છે. પણ એના ગજવામાં પેમેન્ટ અને ડિપોઝીટ આવી જતા એ કંપની નગરપાલિકા તંત્રને ગાંઠતી જ નથી. કુલ 18 કરોડનું કામ હતું. તેમાંથી 5 કરોડનું કામ થયું જ નથી. ટેન્કર પણ 11 ટકા જેવું ઊંચું આપવામાં આવ્યું છે. આમ છતાં આ કોન્ટ્રાકટર મનમાની ચલાવીને 5 કરોડનું કામ પડતું મૂકીને ઉચાળા ભર્યા છે અને લોકો ત્યાં રહી પણ ન શકે તેવી લોટ પાણીને લાકડા જેવી કામગીરી કરવામાં આવી છે.