એક સમયે ગુજરાત ગેસનો દૈનિક વપરાશ 75 લાખ ક્યુબીક મીટર હતો, ભાવ વધારાને પગલે આ વપરાશ ઘટીને આજે દૈનિક 16 લાખ ક્યુબીક મીટરે પહોંચ્યો : જો ગેસના ભાવ હજુ ઘટશે તો ઉદ્યોગો પ્રોપેનને બદલે ફરી ગુજરાત ગેસ તરફ જ વળશે મોરબી : ગુજરાત ગેસ દ્વારા આજથી રૂ.4.50નો ભાવ ઘટાડો અમલમાં મુકવામાં આવ્યો છે. જેને સિરામિક એસોસિએશને આવકારી સરકારનો આભાર માન્યો છે. પણ અત્યારની કપરી પરિસ્થિતિમાં ગુજરાત ગેસના ભાવમાં હજુ પણ અઢી રૂપિયાનો ભાવ ઘટાડો કરવો જરૂરી હોવાનું સિરામિક એસોસિએશનના પ્રમુખોએ કહ્યું છે. સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાત ગેસના ભાવમાં રૂ.4.50નો ઘટાડો થયો છે. જે બદલ અમે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મંત્રી ઋષિકેશભાઈ પટેલ, કૌશિકભાઈ વેકરિયા, કાંતિલાલ અમૃતિયા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, જીએસપીસીના એમડી અવંતિકાબેનનો આભાર માનીએ છીએ. હજુ પણ ગુજરાત ગેસ અને પ્રોપેનના ભાવમાં રૂ.2નો તફાવત છે. હાલ સરકાર સાથે વાતચીત થઈ રહી છે. હજુ ભાવમાં ઘટાડો આવે તેવી શકયતા છે. જેથી ગુજરાત ગેસ અને પ્રોપેનના વપરાશમાં કોસ્ટિંગમાં જે ફરક આવે છે તે નહિ રહે. સિરામિક એસો.ના પ્રમુખ હરેશભાઇ બોપલીયાએ જણાવ્યું કે અમે સરકારમાં રજુઆત કરી હતી કે ગુજરાત ગેસ પ્રોપેનની સરખામણીમાં 8 રૂપિયા ઉંચો પડે છે. આનો ભાવ ઘટાડો કરવા માંગ કરાઈ હતી. પરિણામે સરકારે ગુજરાત ગેસમાં રૂ.4.50 ઘટાડયા છે. સિરામિક ઉદ્યોગોમાં દરરોજ ગુજરાત ગેસના નેચરલ ગેસનો સરેરાશ 16 લાખ ક્યુબીક મિટર વપરાશ છે. રૂ.4.50નો ભાવ ઘટાડો થતા ઉદ્યોગોને 65 લાખનો ફાયદો થશે. વધુમાં અમે પ્રોપેન અને એલપીજી ગેસનો વપરાશ કરીએ છીએ. પ્રોપેન ગેસમાં રૂ.2.5નો ભાવ વધારો થયો છે. પ્રોપેન ગેસનો દરરોજનો વપરાશ અંદાજે 55 લાખ ક્યુબીક મીટર છે. જેથી દરરોજ 1.40 કરોડની નુકસાની છે. આની અસર આવનારા દિવસોમાં સિરામિક ઉદ્યોગ પડશે. 70 ટકા ઉદ્યોગો પ્રોપેન ગેસ જ વાપરે છે, તેમાં પણ ભાવ વધારો આવ્યો હરેશભાઇ બોપલીયાએ જણાવ્યું કે ગુજરાત ગેસનો વપરાશ ઓછો છે. 70 ટકા જેટલા ઉદ્યોગો પ્રોપેન ગેસ વાપરે છે. પ્રોપેન ગેસ સસ્તો હોવા ઉપરાંત દરેક યુનિટમાં પ્રોપેન ટેન્ક બેસાડેલી હોવાના કારણે ઉદ્યોગો પ્રોપેન ગેસ તરફ વળ્યા હતા. પ્રોપેનની સાપેક્ષે હાલ ગુજરાત ગેસનો ભાવ રૂ.2 જેટલો ઉંચો છે. પ્રોપેનમાં પણ ભાવ વધારો આવ્યો હોવાથી કોસ્ટ ઉંચી ગઈ છે. ગુજરાત ગેસના ભાવ ઘટાડો થાય, તો ઉદ્યોગો તેના તરફ વળશેહરેશભાઇ બોપલીયાએ જણાવ્યું કે ગુજરાત ગેસ હજુ બેથી ત્રણ રૂપિયાનો ભાવ ઘટાડો કરે તે જરૂરી છે. ગુજરાત ગેસનો એક સમયે દૈનિક વપરાશ 75 લાખ ક્યુબીક મીટર હતો. આજે દૈનિક વપરાશ 16 લાખ ક્યુબીક મીટરે પહોંચ્યો છે. સરકાર ભાવમાં ઘટાડો કરશે તો તમામ ઉદ્યોગો ગુજરાત ગેસ તરફ વળશે. આ ગેસની સપ્લાય ખૂબ સરળ છે. જે પાઈપલાઈન મારફત થાય છે. જ્યારે પ્રોપેન ટેન્કર મારફત આવે છે. સિરામિક ઉદ્યોગની પરિસ્થિતિ અત્યારે નાજૂક, નાના 200થી 250 એકમો બંધ થઈ ગયાસિરામિક ઉદ્યોગની અત્યારની પરિસ્થિતિ વિશે માહિતી આપતા સિરામિક એસો.પ્રમુખ હરેશભાઇ બોપલીયાએ જણાવ્યું કે સિરામિક ઉદ્યોગની પરિસ્થિતિ અત્યારે નાજુક છે. 200થી 250 નાના ઉદ્યોગો બંધ થઈ ગયા છે. મોટા ઉદ્યોગોએ જે પ્રમાણે રોકાણ કર્યું છે તે પ્રમાણે તેઓને વળતર પણ મળી રહ્યું નથી. આમ ઉદ્યોગો કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.