ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપનાર વ્યાજખોર મહિલા વિરુદ્ધ ફરિયાદમોરબી : મોરબી શહેરમાં વાવડી રોડ પર રહેતા કુરિયરના ધંધાર્થી યુવકે મહિલા પાસેથી રૂ.50 હજાર વ્યાજે લઈ 40 હજાર વ્યાજ ચૂકવી મુદલ રકમ ગૂગલ પે કરી ચૂકવી આપી હોવા છતાં પણ માથાભારે વ્યાજખોર મહિલાએ ઉઘરાણી ચાલુ રાખી ખોટા કેસમાં ફસાવી દેવા પતિ અને પત્નીને ધમકી આપતા વ્યાજખોરી મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.મોરબીના વાવડી રોડ પર સમજુબા સ્કૂલ વાળી શેરીમાં ધર્મનગર સોસાયટીમાં રહેતા અને રવાપર ચોકડીએ કુરિયરનો ધંધો કરતા વિવેકભાઈ પ્રકાશભાઈ માવાણી ઉ.27 નામના યુવકે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વ્યાજખોર આરોપી મહિલા જયાબેન ખીમજીભાઈ મોરડીયા રહે.નજરબાગ મફતિયાપરા, ભડિયાદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, વર્ષ 2025મા ધંધામાં જરૂરત હોય ફરિયાદી વિવેકભાઈએ જયાબેન પાસેથી 50 હજાર વ્યાજે લીધા હતાં.બાદમાં વિવેકભાઈએ વ્યાજ પેટે 40 રૂપિયા રોકડા ચૂકવી દઈ મૂળ રકમ 50 હજાર ગૂગલ પે કરી ચૂકવી આપ્યા હતા.છતાં પણ જયાબેને વ્યાજની સતત ઉઘરાણી ચાલુ રાખી દુકાને જઈ વિવેકભાઈના પત્ની સાથે ઝઘડો કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા વ્યાજખોરી મામલે મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.