મોરબીમાં ઐતિહાસિક જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, ઉમેદવારોને પ્રજાના સેવક બની રહેવાની ટકોર કરીમોરબી : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે મોરબીની મુલાકાત લીધી છે. તેઓએ કમલમ કાર્યાલય ખાતે આગામી ચૂંટણીઓને અનુલક્ષીને ભાજપના ઉમેદવારો અને અગ્રણીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે ચૂંટણી જીત્યા બાદ ઉમેદવારોની જવાબદારીઓ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ વિપક્ષોની કાર્યપદ્ધતિ અંગે આકરા પ્રહારો કર્યા હતા અને તમામ અગ્રણીઓને કામે લાગી જવા આહ્વાન કર્યું હતું.ઉમેદવારો અને કાર્યકરોને માર્ગદર્શન આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કોર્પોરેટર બની ગયા પછી મગજ પર કોઈ અહંકારનો ભાર ન રાખતા, પરંતુ લોકોના દુઃખનો ભાર અહી લેજો અને દિલથી કામ કરી આપજો. રાત્રે 2 વાગ્યે કે સવારે 4 વાગ્યે કોઈ નાગરિક પોતાની સમસ્યા લઈને આવે કે જગાડે, તો હસતા મુખે તેમને મદદ કરવા 24 કલાક ઉપલબ્ધ રહેવાની તેમણે ટકોર કરી હતી. ડ્રેનેજ કે સામાજિક પ્રસંગોના નાના કામ લઈને લોકો આવે ત્યારે હંમેશા મદદ કરવાની ભાવના રાખવી પડશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ એ શક્ય છે કે બૂથ લેવલનો સામાન્ય કાર્યકર કોર્પોરેટર બની શકે અને 27 વર્ષની ઉંમરે સામાન્ય વ્યક્તિ ધારાસભ્યની જવાબદારી નિભાવી શકે.કાયદો અને વ્યવસ્થા અંગે કડક શબ્દોમાં ચેતવણી આપતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે મોરબીમાં લુખ્ખા અને ટપોરીઓને કાયદાનું યોગ્ય ભાન કરાવવામાં આવ્યું છે. સમાજમાં શાંતિ ડહોળતા તત્વો સામે કડક કાર્યવાહી થશે. આવા લુખ્ખા ટપોરીઓએ ગેરકાયદેસર કબજો કરેલી જગ્યાઓ પર ભૂપેન્દ્ર પટેલનું બુલડોઝર બરાબર ફર્યું છે અને આવનારા દિવસોમાં પણ તમામ જિલ્લાઓમાં ફરતું રહેશે. તેમણે કહ્યું કે જીવનમાં જુઠ્ઠાણું લાંબો સમય ટકી શકતું નથી, પરપોટા ફાટે જ છે અને આ તો માત્ર એક શરૂઆત છે.વિપક્ષો પર આકરા પ્રહારો કરતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસીઓ માત્ર રડે જ છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા અને સુરત સહિતના વિસ્તારોના પ્રવાસેથી તેઓ મોરબી આવ્યા છે અને બધે જ વિપક્ષ સાફ થઈ ગયો છે. મોરબીમાં પણ કોંગ્રેસ કાર્યાલયની બહાર માત્ર બેનર દેખાયું પણ ક્યાંય પંજો નજરે પડ્યો ન હતો. સુરતમાં ઝાડુવાળાનું સફાચટ થઈ ગયું છે, રાત્રે 9 થી 10 વાગ્યાની આસપાસ તેમનું અડધું છાપરું ઉડી ગયું છે. લોકોના મજબૂત સમર્થનને કારણે 520 જેટલી જગ્યાઓ પરથી ઉમેદવારોએ ફોર્મ ખેંચી લેતા 720 થી વધુ બેઠકો પર નાગરિકોનો સીધો વિજય થયો છે.વેપારીઓ અંગે વાત કરતા રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે તેમણે વેપારીઓનો આભાર માન્યો હતો. યોજનાના કારણે પડેલી તકલીફોમાં વેપારીઓએ જે સહયોગ આપ્યો તે બદલ આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીએ પહેલા જ દિવસથી વૈકલ્પિક વ્યવસ્થાઓ માટે તમામ વિભાગોને સૂચના આપી દીધી હતી. ભૂતકાળમાં ગેસના ભાવનો મુદ્દો હોય કે અન્ય કોઈ વિષય, સરકાર હંમેશા વેપારીઓની પડખે મજબૂતીથી ઊભી રહી છે અને ભવિષ્યમાં પણ સાથે મળીને આગળ વધશે.મોરબીમાં ઐતિહાસિક જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે અપીલ કરી હતી કે મોરબી નગર કે જિલ્લામાં કોઈ એક પણ સીટ એવી ન રહી જાય જ્યાં ભાજપ ન જીતે, અન્યથા તે વિસ્તારના વિકાસના કામો રૂંધાઈ જશે. મોરબીમાં એવી ઐતિહાસિક જીત થશે કે ભવિષ્યમાં કોઈ પણ રાજકીય પક્ષ મોરબીના નાગરિકોને પોતાના રાજકીય હાથો બનાવવાની કોશિશ નહીં કરે અને માત્ર વિકાસની રાજનીતિ જ ચાલશે.#Morbi #MorbiUpdate #HarshSanghvi #BJP #MorbiNews #GujaratPolitics #GujaratElections #MorbiNagarpalika