કન્ટેનર ભાડામાં પાંચ ગણો ભાડા વધારો થતા એક્સપોર્ટના ઓર્ડર અટકી ગયામોરબી : કોરોનાકાળ બાદ મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર ફરી માનવસર્જિત આફતના ઓળા ઉતર્યા છે, વર્ષ દહાડે 60 હજાર કરોડનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપતા સિરામિક ઉદ્યોગ પાસે હાલમાં એક્સપોર્ટના બમ્પર ઓર્ડર હોવા છતાં પણ કન્ટેનર ભાડામાં થયેલા પાંચથી છ ગણા વધારાને કારણે એક્સપોર્ટ ઠપ્પ થઇ જતા હાલમાં મોરબીમાં ટાઈલ્સના ગોડાઉન હાઉસફુલ થઇ ગયા છે અને હવે જન્માષ્ટમીએ 150 જેટલી ફેકટરીઓને પોતાનું પ્રોડક્શન સમાવવા જગ્યા ન હોય સ્વૈચ્છિક શટડાઉન કરવા નિર્ણય લેવો પડ્યો છે.મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ હરેશ બોપલીયાએ જણાવ્યું હતું કે, વિશ્વના બીજા નંબરનો સૌથી મોટો સીરામીક ઉદ્યોગ હાલમાં વિચિત્ર સ્થિતિનો સામનો કરી રહ્યો છે, ડોમેસ્ટિક માર્કેટમાં મંદી વચ્ચે હાલમાં સીરામીક ઉદ્યોગ એક્સપોર્ટ ઉપર જ આધારિત બન્યો છે જેમાં ચાઈનાની અવળ ચંડાઇને કારણે કન્ટેનરભાડામાં પાંચથી છ ગણો વધારો થતા જે કન્ટેનર 1000 ડોલરે મળતું તે કન્ટેનર 6000 ડોલર ચૂકવવા છતાં મળતું નથી. બીજી તરફ કન્ટેનર ભાડામાં વધારો મોરબીના ઉદ્યોગકારોને કે વિદેશથી માલ મંગાવનારને પરવડતો નથી પરિણામે હાલમાં મોરબીના એક્સપોર્ટ યુનિટોમાં માલનો ભરાવો થઇ ગયો છે અને ફેકટરીના ગોડાઉન હાઉસફુલ થયા છે.બીજી તરફ કોરોના મહામારી બાદ મોરબીના કુલ 1000 સીરામીક એકમો પૈકી અદ્યતન ટેક્નોલોજીના અપડેશનને અભાવે 200 કારખાનાને કાયમી તાળા લાગી ગયા છે. સાથે જ હાલમાં એક્સપોર્ટ ઠપ્પ થઇ ગયું હોવાથી માલનો ભરાવો થતા અનેક કારખાનાઓ ઉત્પાદન સાયકલ ધીમી કરી નાખી છે અને જો આ જ સ્થિતિ ચાલુ રહી તો હજુ પણ અનેક કારખાના બંધ થવાની સાથે જ ટાઈલ્સના ગોડાઉન હાઉસફુલ થયા હોવાથી જન્માષ્ટમીના તહેવારોમાં 150 જેટલા કારખાનાઓ 15 દિવસથી લઇ દોઢ મહિના સુધી શટડાઉન કરનાર હોવાનું સીરામીક એસોશિએશન પ્રમુખ હરેશ બોપલીયાએ અંતમાં જણાવ્યું હતું.કન્ટેનર પ્રશ્ને કેન્દ્ર સરકારમાં રજુઆતમોરબીના સીરામીક ઉદ્યોગને એક્સપોર્ટ માટે કન્ટેનર ભાડામાં થેયલ અસહ્ય ભાવ વધારાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વર્તમાન સ્થિતિમા આસાનીથી એક્સપોર્ટ માટે કન્ટેનર મળી શકે તે માટે કેન્દ્ર સરકારમાં સીરામીક એસોશિએશન દ્વારા લેખિત રજુઆત પણ કરવામાં આવી છે.200 કારખાનાને કાયમી તાળા લાગી ગયાકોરોના કાળ બાદ નવી ટેક્નોલોજી ન અપનાવનાર મોરબીના 200 કારખાનાને હાલમાં કાયમી તાળા લાગ્યા હોવાનું જણાવતા હરેશ બોપલીયા જણાવે છે કે, આધુનિક ટેક્નોલોજીમાં પ્રોડક્શન કોસ્ટ ખુબ જ ઘટતા જૂની ટેક્નોલોજી ધરાવતા કારખાનેદારો હરીફાઈમાં ટકી ન શકતા તેઓને પોતાના કારખાના કાયમી બંધ કરવા પડ્યા છે, બીજી તરફ ટેક્નોલોજી અપડેશનનો ખર્ચ વધુ હોવાથી જુના કારખાનેદારોએ હરીફાઈના ધંધામાં પડવાને બદલે કારખાના બંધ કરવાનું જ મુનાસીબ માન્યું છે.એક્સપોર્ટ ઘટતા કેન્દ્ર સરકારને નુકશાનકન્ટેનર ભાડામાં વધારો થતા તેની સીધી જ અસર મોરબીના સીરામીક ઉદ્યોગને થઇ છે, જો કે, સીરામીક ઉદ્યોગને હાલમાં મુશ્કેલીનો સામનો કરવાની સાથે ધંધો ગુમાવવો પડ્યો છે ત્યારે તેની અસર સરકારની તિજોરીને પણ પડી રહી છે કારણ કે, વર્ષે દહાડે 20 હજાર કરોડનું વિદેશી હૂંડિયામણ એકલો સીરામીક ઉદ્યોગ કમાઈ આપે છે ત્યારે એક્સપોર્ટ થકી વિદેશી હૂંડિયામણ તેમજ ટેક્સ ગુમાવવાની અસર સરકારને પણ પડી રહી છે.