મોરબી : થોડા માસ પૂર્વે પતિનું અવસાન થતાં ગામડેથી મોરબીમાં પરિવાર સાથે રહેવા આવેલા વૃદ્ધાએ ડિપ્રેસનમાં આવીને એપાર્ટમેન્ટમાંથી નીચે ઝંપલાવતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવને લઈને પરિવાર શોકગ્રસ્ત બન્યો છે. બી ડીવી. પોલીસે આત્મહત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બી.ડીવી. પો. સ્ટે.માંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા 65 વર્ષીય લાભુબેન વલ્લભભાઈ દુદાણીએ બુધવારે સવારના સમયે માધવ હાઇટ્સના છઠ્ઠા માળે આવેલા પોતાના રહેણાંક ફ્લેટમાંથી નીચે ઝંપલાવતા તેઓનું મોત થયું હતું. હોસ્પિટલમાંથી બનાવની જાણ થતા બી. ડીવી. પો.સ્ટે.માં કરાતા પોલીસે હોસ્પિટલે પહોંચી મૃતકના પરિવારજનોનું નિવેદન નોંધ્યું હતું. જેમાં જણાવ્યાનુસાર મૃતકના પતિનું આશરે છએક માસ પૂર્વે નિધન થતા મૃતક વૃદ્ધા ગામડેથી પરિવાર સાથે રહેવા મોરબી આવી ગયા હતા. જ્યાં તેઓ પતિના મૃત્યુના આઘાતમાં સતત રહેતા હોય ડિપ્રેશન જેવી અવસ્થામાં આવી ગયા હતા. આ સ્થિતિમાં તેઓએ આત્મહત્યા કરી લીધી હતી. બનાવની વધુ તપાસ મોરબી બી. ડીવી.ના એ.એસ.આઈ. એ.આર. સારદીયા ચલાવી રહ્યા છે.