પોલીસની હાજરીમાં પાલિકા તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરાયા મોરબી : મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં ગતરાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થાય બાદ આજે પોલીસની હાજરીમાં આ વિસ્તારમાં ગેરકાયદે દબાણો ઉપર ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પોલીસની હાજરીમાં પાલિકા તંત્ર દ્વારા મચ્છીપીઠમાં ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને આ દબાણો દૂર કરીને રસ્તો પહોળો કરવામાં આવશે તેવો પાલિકા તંત્રએ નિર્દેશ આપ્યો છે. મોરબીના મચ્છીપીઠમાં ગતરાત્રે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી. આ ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પણ ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતા એક પોલીસ જવાનને ઇજા પહોંચી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને એસપી એસ.આર.ઓડેદરા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને એસપીએ મચ્છીપીઠમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની સૂચના આપી હતી. જેના પગલે મોરબી નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં રોડને નડતરરૂપ મકાનો પાસેના છાપરા અને દુકાનો પાસેના ઓટલા દૂર કરવા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ કહ્યું હતું કે, ગતરાત્રે મચ્છીપીઠમાં ઝઘડો થયા બાદ પોલીસે ગેરકાયદે પેશકદમી કરનારના દબાણો દૂર કરવાની સૂચના આપી હતી. જો કે મચ્છીપીઠમાં રોડ પહોળો કરવા માટે અગાઉ તંત્રએ દબાણ કરનારાઓને દબાણો દૂર કરવાની નોટિસ ફટકારી હતી. તેમ છતાં દબાણો ન હટાવતા આજે પાલિકાની ટીમ તેમજ એ ડિવિઝન પીઆઇ સોનારા અને ટ્રાફિકના અધિકારી ઝાલા સહિતની ટીમની હાજરીમાં આ વિસ્તારમાં ડીમોલેશન કરવામાં આવ્યું છે. અગાઉ પણ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પણ ત્યારે રોડ બની શક્યો ન હતો હવે રોડ પહોળા કરવાનું નક્કી થતા 15 મીટર પહોળા કરવાની રેન્જમાં જે પણ કાચા-પાકા દબાણો હશે તે દૂર કરવામાં આવશે અને હાલ 50 જેટલી દુકાનોના છાપરા અને ઓટલા દૂર કરવામાં આવશે.