યુવાને સાત શખ્સો સામે હુમલો કર્યાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીના બેલા ગામ પાસે બાઈક અથડાવવા મુદ્દે બોલાચાલી થયા બાદ વાત મારમારી સુધી પહોંચી ગઈ હતી. જેમાં સાત શખ્સોએ યુવાન અને તેના પરિવારના સભ્યો ઉપર હુમલો કરી બાઇકમાં નુકશાન કર્યું હતું. આ બનાવ અંગે યુવાને સાત શખ્સો સામે હુમલો કર્યાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ મારમારીની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના બેલા ગામની સીમ બેલા ખોખરા હનુમાનજી મંદીર રોડ ઉપર આવેલ સેલ્ફી સીરામીકના લેબર ક્વાટરમાં રહેતા વિનોદભાઇ ગોરધનભાઇ બેડવા (ઉ.વ-૨૫) એ આરોપીઓ ગૌતમભાઇ (રહેવાશી જામનગર બાજુ) વાળો તથા મોટરસાયકલ નં-જીજે-૩૬-ક્યુ-૬૬૮૧ તથા અન્ય બે મોટરસાયકલ પર આવેલા સાત અજાણ્યા માણસો જેમાં ગૌતમભાઈ જીવરાજભાઈ જોગર, કિશનકુમાર છગનભાઈ પરમાર, સંજયભાઈ જીવરાજભાઈ જોગર, ચેતનભાઈ ગોવિંદભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૧૩ ના રોજ ખોખરા હનુમાનજી મંદીર રોડ ઉપર બેલા જી.ઇ.બી સબસ્ટેશનના દરવાજાની સામે બનેલા આ બનાવમાં એક આરોપીએ ફરીયાદીના પિતાજી ગોરધનભાઇ સાથે અગાઉ મોટર સાયકલ ભટકાડેલ હોય જે બાબતે ઠપકો આપતા તેનો ખાર રાખી આરોપીઓએ ત્રણ મોટર સાયકલમાં આવીને ફરીયાદી તથા સાહેદને રોકી ફરીયાદીને લાકડી વતી ડાબા પગની પીંડીના ભાગે એક ઘા મારી તથા અન્ય આરોપીએ લોખંડના પાઇપ વતી વાંસાના ભાગે એક ઘા મારી ફરીયાદી તથા સાહેદને અન્ય આરોપીઓએ ઢીકા પાટુનો માર મારી શરિરે મુંઢ ઇજા કરી તેમજ બાઈકમાં નુકશાન કર્યું હતું. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.