શેરી નં.4માં 9ની બદલે 5 મીટર જ પહોળાઈ રહી હોવાથી દબાણો હટાવવાનું શરૂ : આગામી દિવસોમાં શેરી નં.7 અને 8માં પણ ડીમોલેશન કરાશેમોરબી : મોરબીના લાતી પ્લોટમાં પ્રથમવાર ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે. આજે મહાપાલિકાના 3 જેસીબી દ્વારા આ વિસ્તારમાં કરાયેલા મકાનોના દબાણો તોડવામાં આવી રહ્યા છે. વધુમાં આગામી દિવસોમાં શેરી નં.7 અને 8માં પણ ડીમોલેશન કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે લાતી પ્લોટમાં વોટર સપ્લાય, સ્ટ્રોમ વોટર નિકાલ અને ભૂગર્ભ ગટરના કામો મંજુર કરવામાં આવ્યા છે. રોડના કામો પણ અહીં થવાના છે. જેટલી આડી અને ઉભી શેરીઓ છે તેની પહોળાઈ સરેરાશ 9 મીટર છે. અત્યારે સ્ટ્રોમ વોટરની કામગીરી દરમિયાન 4 નંબરની શેરીમાં 5 મીટર જ પહોળાઈ મળતી હતી. 4 મીટર જેટલું મિલ્કત ધારકોએ દબાણ કર્યું હતું. એક મહિના અગાઉ કોર્પોરેશન દ્વારા 30 જેટલી નોટીસ અપાઈ હતી. ત્યારબાદ આજે ડીમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 7 અને 8 નંબરની શેરીમાં દબાણ હોવાની વિગતો મળી છે. અંદાજે 50 દબાણકારોને નોટિસ પણ આપવામાં આવી છે.