બાજુમાં વૈકલ્પિક જગ્યા હોવા છતાં ટાર્ગેટ કરીને મિલકતો તોડી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ વ્યક્ત કર્યો રોષ : અગાઉ નોટિસ આપ્યા બાદ જ કાર્યવાહી કરી હોવાનું માર્ગ અને મકાન વિભાગના અધિકારીનું નિવેદનમોરબી અપડેટ : મોરબી તાલુકાના ઘૂનડા (સજજનપર) ગામમાંથી પસાર થતા રવાપર-જડેશ્વર રોડની કામગીરી હાલ ચાલી રહી છે. આ માર્ગના નિર્માણ અંતર્ગત ગામમાં કરવામાં આવી રહેલી ડિમોલિશનમાં વ્યાપક ભેદભાવ અને ગેરરીતિ થતી હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે.લાખોના ખર્ચે બનેલો ગેટ અને દુકાનો તોડી પડાઈ ગ્રામજન જયંતીલાલ ત્રિકમજીભાઈ રંગપરીયાના જણાવ્યા અનુસાર, તેમના માતા-પિતાની યાદમાં બનાવેલો 30 ફૂટ ઉંચો અને 30 ફૂટ પહોળો ગેટ તોડી પાડવામાં આવ્યો છે. અધિકારીએ પણ એવું કહ્યું હતું કે ગેટ નડતરરૂપ નથી. ગેટ તોડી પડાતા તેમને અંદાજે 10 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. આ ઉપરાંત પ્રભુલાલ ત્રિકુભાઈ રંગપરીયાના જણાવ્યા મુજબ, જનકભાઈ ત્રિકુભાઈનો ગેટ પણ કોઈ પણ પૂર્વ જાણ કર્યા વિના તોડી પાડવામાં આવ્યો છે. રોડની એક તરફ સરકારી ખુલ્લી જગ્યા હોવા છતાં, બીજી તરફ આવેલી લોકોની રોજગારી સમાન દુકાનો તોડી પાડવામાં આવી છે.ધાર્મિક સ્થળો અને સહકારી મંડળીને નુકસાન ગ્રામજનો પ્રભુભાઈ વાલજીભાઈ, મનસુખભાઈ ધનજીભાઈ અને કે.ડી. પરસુંબિયાએ જણાવ્યું હતું કે, રોડ કાઢવાના બહાને સરકારી તંત્રની તાનાશાહી ચાલી રહી છે. તોડફોડની આ કામગીરીમાં ધાર્મિક સ્થાનોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. રવેચીમા, હનુમાનજી અને શક્તિમાના મંદિરો તેમજ ખેડૂતોની સહકારી મંડળીની ઇમારતને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. સહકારી મંડળીને પોતાનો પક્ષ રજૂ કરવાનો કોઈ મોકો આપવામાં આવ્યો ન હતો.રાજકીય ઈશારે અલાઇનમેન્ટ બદલવાનો આક્ષેપ ગ્રામજનોનો મુખ્ય આક્ષેપ છે કે, આર એન્ડ બી (R&B) ખાતાના અધિકારીઓ રાજકીય દબાણ અને મિલીભગતથી કામ કરી રહ્યા છે. જ્યાં વૈકલ્પિક ખુલ્લી જગ્યા ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરવાને બદલે, અમુક ચોક્કસ લોકોના બાંધકામ બચાવવા માટે રોડનું અલાઇનમેન્ટ બદલીને મંદિરો અને અન્ય મિલકતો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. આ ડીમોલેશનની કામગીરીનો ગ્રામજનો સખત વિરોધ કરી રહ્યા છે. આ મામલે પોલીસ તથા વકીલ મારફતે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. અગાઉથી નોટિસ આપ્યા બાદ 20 જેટલા દબાણો તોડ્યા : માર્ગ અને મકાન વિભાગમાર્ગ અને મકાન વિભાગના હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે, રોડ પરના દબાણો હટાવવાની કામગીરી અગાઉથી નોટિસ આપીને તબક્કાવાર કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત બંને બાજુથી 20 જેટલા ગેરકાયદેસર મકાનો અને દુકાનો દૂર કરવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતે લેખિતમાં રિપોર્ટ આપ્યા બાદ જ એક ગેરકાયદેસર ગેટ પણ તોડી પાડવામાં આવ્યો છે. આ ડ્રાઇવમાં રોડને નડતરરૂપ મંદિરના પરિસરની દીવાલો જ તોડવામાં આવી છે અને મંદિરોને યથાવત રાખવામાં આવ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Ghunada #Sajanpar #Demolition #RoadConstruction #GujaratNews #PublicIssue