એસ.પી. અને ચીફ ઓફિસરે કોન્ટ્રાક્ટરને રોડ ડબલ પટ્ટીનો બનાવી દેવાની સૂચના આપી મોરબી : મોરબીના બાયપાસ ઉપર ભક્તિનગર સર્કલ પર ઓવરબ્રિજના કામ દરમિયાન માત્ર બન્ને બાજુએ સિંગલ પટ્ટીનો રસ્તો રખાતા ટ્રાફિક જામની સમસ્યા વકરી હતી. આથી, ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા ભક્તિનગર સર્કલ પાસે ડીમોલેશન કરવામાં આવ્યું હતું. તેમજ એસ.પી. અને ચીફ ઓફિસરે ભક્તિનગર સર્કલ પાસે ટ્રાફિકજામ ન થાય તે માટે કોન્ટ્રકટરને ત્યાં ડબલ પટ્ટીનો માર્ગ બનાવવાની સૂચના આપી હતી. મોરબી બાયપાસ ભક્તિનગર સર્કલ પર છેલ્લા 15-20 દિવસથી ઓવરબ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ આ ઓવરબ્રિજના કામ દરમિયાન અહીં બન્ને બાજુએ માત્ર સિંગલ પટ્ટીનો રસ્તો રાખ્યો હતો. જેથી, ભક્તિનગર સર્કલ પાસે અતિશય વાહન ધસારા સામે આ સિંગલ પટ્ટીનો માર્ગ સાવ ટૂંકો પડતા અહીં છેલ્લા 10 દિવસથી ટ્રાફિકજામની સમસ્યા વકરી છે. જેમાં સવાર અને સાંજના સમયે ભારે ટ્રાફિકજામ થતો હતો અને આશરે 2 કિમી સુધી વાહનોની લાઈનો લાગતી હતી. તેથી, ભક્તિનગર સર્કલ પાસે ટ્રાફિકજામની ગંભીર સ્થિતિને લઈને તંત્ર હરકતમાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા અને નગરપાલિકાના ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ અને પાલિકા પ્રમુખ કેતન વિલપરા સહિતના સ્ટાફે છેલ્લા બે દિવસથી ભક્તિનગર સર્કલ પાસે ટ્રાફિકજામ ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થા જાળવીને જવાબદાર કોન્ટ્રકટરને અહીં રોડ ડબલ પટ્ટીનો બનાવવા અને કામ માટે વધારે જગ્યા રોકેલી હોય તેને ઓછી કરવાની સૂચના આપી હતી. તેમજ ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા ત્યાં ડીમોલેશન કરવામાં આવ્યું હતું. આ ડીમોલેશન દરમિયાન 35 થી 40 દુકાનોના છાપરા, દુકાનોની બહાર કાઢેલા 8 ઓટા, 4 મોટા અને 12 જેટલા નાના હોડીગ્સ હટાવી દેવામાં આવ્યા હતા અને રસ્તો ટ્રાફિક માટે પહોળો કરી દેવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરને ડામર નાખીને રસ્તો વ્યવસ્થિત બનાવી દેવાની સૂચના આપી હતી. આ ઉપરાંત, શનાળા રોડ પરના દબાણોને દૂર કરવાની જે તે જવાબદારોને કડક સૂચના આપવામાં આવી છે. તેમ છતાં દબાણો દૂર ન કરાઇ તો ડીમોલિશન કરવાની ચેતવણી અપાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શનાળા રોડ પર ટ્રાફિકને નડતરરૂપ દબાણો વારંવાર હટાવી દેવામાં આવે છે. પણ થોડા સમયમાં ફરી દુકાનો છાપરા શીના દબાણો ખડકાઈ જાય છે. તેથી, આ દબાણો દૂર કરવા માટે કાયમી અને નક્કર કાર્યવાહી થાય તેવી પ્રબુદ્ધ લોકોએ માંગ ઉઠાવી છે.