સ્થાનિક લોકોએ ભડીયાદ ગ્રામ પંચાયતને લેખિતમાં રજુઆત કરી મોરબી : મોરબીના ભડીયાદના જંગલેશ્વર વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટેલા હોવાથી સ્થાનિકો ઉપર અકસ્માતનું જોખમ સર્જાયું છે. આ ઉપરાંત આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલના અભાવની બહુ મોટી સમસ્યા હોવાથી પાણી પહેલા પાળ બાંધવાની સ્થાનિકોએ ભડીયાદ ગ્રામ પંચાયતને લેખિતમાં રજુઆત કરી છે. મોરબીના ભડીયાદના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા લોકોએ ભડીયાદ ગ્રામ પંચાયતને લેખિતમાં રજુઆત કરી હતી કે, જંગલેશ્વર વિસ્તાર (ભડીયાદ-3) હાલ હરિઓમ સોસાયટી તરીકે જાણીતો છે. આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા અવ્યવસ્થિત અને ભાંગેલા તૂટેલા હોવાથી તેમાં લોકોને પડવા અખડવાની ભીતિ રહે છે. તેમજ દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની મોટી સમસ્યા છે. આથી, લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. હાલ ચોમાસાએ આગમનની છડી પોકારી દીધી છે અને ગમે ત્યારે વરસાદ તૂટી પડવાના એંધાણ વર્તાય રહ્યા છે. આથી, આ વિસ્તારમાં વહેલાસર વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે.