સામાજિક કાર્યકરો દ્વારા કલેક્ટરને રજુઆત કરાઈ મોરબી : મોરબીના વીસી ફાટક પાસે આવેલી શહેર મામલતદાર કચેરી પાસે વાહન પાર્કિગનો ગંભીર પ્રશ્ન છે. આથી આ કચેરીએ વિવિધ કામગીરી માટે આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેથી, આ સમસ્યા દૂર કરવા માટે સીટી મામલતદાર કચેરીનું જૂની જિલ્લા પંચાયત કચેરીમાં સ્થળાંતર કરવાની માંગ ઉઠી છે. મોરબીના સામાજિક.કાર્યકરો રાજુભાઇ દવે, જીજ્ઞેશભા. પંડ્યા, જગદીશભાઈ બાંભણીયા,જનકભાઈ રાજા, અશોકભાઈ ખરચરિયાએ કલેક્ટરને રજુઆત કરી હતી કે, મોરબીના વીસી ફાટક પાસે આવેલ સીટી મામલતદાર કચેરી પાસે વાહન પાર્કિગની ગંભીર સમસ્યા છે. આથી વિધવા સહાય, પેનશન, આવક, જાતિના દાખલા,રેશન કાર્ડ સહિતની અનેક કામગીરી માટે સીટી મામલતદાર કચેરીએ આવતા લોકોને ભારે હાલાકીનો સમનો કરવો પડે છે તેમાંય નિરાધાર વૃદ્ધો અને વિધવા બહેનોની હાલત કફોડી બને છે. આ કચેરી અન્યત્ર ખસેડી લેવામાં આવે તો ટ્રાફિકનું ભારણ હળવું થશે અને લોકોને પણ રાહત થશે. બીજી તરફ જૂની જિલ્લા પંચાયત કચેરી જે ગિબ્સન મિડલ સ્કૂલમાં આવેલી હતી. ત્યાં જૂની જિલ્લા પંચાયત કચેરી નવી કચેરીમાં શિફ્ટ થઈ ગઈ છે. આથી આ જૂની કચેરી ખાલી પડી છે. તેથી ગિબ્સન મિડલ સ્કૂલમાં જૂની જિલ્લા પંચાયત કચેરીમાં આ સીટી મામલતદાર કચેરીનું સ્થળાંતર કરવાની તેઓએ માંગ ઉઠાવી છે.