બંધ રસ્તો પહોળો કરીને ચાલુ કરવા ભાજપના બક્ષીપંચ મોરચાના મંત્રીની મ્યુનિસિપલ કમિશનરને રજૂઆતમોરબી: મોરબી જીલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના મંત્રી ઉગાભાઈ રાઠોડે મોરબી મનપાના કમિશનરને વોર્ડ-1ના શ્રદ્ધા પાર્ક, ન્યૂ કુબેર, કૃષ્ણનગર અને મારુતિ પાર્ક જેવી સોસાયટીઓના બંધ મુખ્ય રસ્તાને ચાલુ કરીને પહોળો કરવા માટે રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું કે, સેન્ટ મેરી ફાટક નજીકનો આ રસ્તો અત્યંત સાંકડો (માત્ર 15 ફૂટ) છે. ફાટક બંધ થવાને કારણે અહીં ભારે ટ્રાફિક જામ થાય છે, જેનાથી આશરે ત્રણ હજાર પરિવારો અને અન્ય સાત સોસાયટીના લોકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે. સૌથી ગંભીર સમસ્યા એ છે કે, કટોકટીમાં હોસ્પિટલ જતી એમ્બ્યુલન્સને પણ અહીંથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.રજૂઆતમાં જણાવ્યું છે કે, મહાનગરપાલિકા દ્વારા આ સાંકડા રસ્તાની બાજુમાં ખુલ્લા વોકળામાં પાઈપ નાખીને સ્ટ્રોમ વોટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જો આ નવી પાઈપલાઈન ઉપર માટી નાખીને રસ્તો બનાવવામાં આવે તો આ રસ્તો 50 ફૂટ સુધી પહોળો થઈ શકે છે. હાલમાં આ જગ્યા પર ગાંડા બાવળ અને કચરો જમા થયેલો છે. આ કચરો દૂર કરીને રસ્તાને અશોક પાર્ક પાસેથી સીધો મેઇન રોડ સાથે જોડી શકાય તેમ છે. તેથી મંત્રીએ કમિશનરને અપીલ કરી છે કે લોકોની સુખાકારીમાં વધારો થાય અને તેઓ સમયસર કામના સ્થળે પહોંચી શકે તે માટે આ મહત્વપૂર્ણ કામગીરીને વહેલી તકે અમલમાં મૂકવામાં આવે.