સ્થાનિક નાગરિકની કલેકટર સમક્ષ લેખિત રજુઆત મોરબી : મોરબીના રવાપર ગામે રાજાશાહી વખતના તળાવને બુરીને પેશકદમી થઇ રહી હોવાની રાવ સાથે એક જાગૃત નાગરિકે જિલ્લા કલેક્ટર સમક્ષ તાત્કાલિક પગલા લેવા રજૂઆત કરી છે.રવાપર ગામે રહેતા કાનજીભાઈ ધનજીભાઈ રાઠોડએ જિલ્લા કલેકટરને રજૂઆતમાં જણાવ્યું છે કે અમે રવાપરના સ્થાનિક હોય અમારી ફરજ સમજીને રવાપર ગામે રાજાશાહી વખતના તળાવને બુરીને પેશકદમી થઈ રહી હોય મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને ગત તારીખ 22ના રોજ લેખિત અરજી કરી સ્થળ તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. પરંતુ આજ દિન સુધી કોઈ તપાસ થઈ નથી. હાલ ઝડપભેર તળાવ બુરવાનું કામ ચાલી રહ્યું છે. તો તાત્કાલિક પેશકદમી હટાવવામાં આવે તેવી માંગ છે. ઉપરાંત લેન્ડ ગ્રેબિંગ અને ખનીજચોરી અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ છે.