મોરબી: મોરબીમાં સિલિકોસિસ પીડિત પરિવારોની મુશ્કેલીઓના નિવારણ માટે સિલિકોસિસ પીડિત સંઘ, મોરબી દ્વારા તાત્કાલિક પગલાં લેવાની વિનંતી સાથે કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી અને સિવિલ હોસ્પિટલ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મોરબીમાં હાલ 100થી વધુ સિલિકોસિસ પીડિત પરિવારો રહે છે, અને સંઘના આશરે 30 સભ્યોએ આ રજૂઆત કરી હતી.સંઘની મુખ્ય માંગણીઓમાંની એક મોરબી સિવિલ હોસ્પિટલમાં કાયમી ફેફસાં નિષ્ણાત ડૉક્ટરની તાત્કાલિક નિમણૂકની છે. સિવિલ હોસ્પિટલમાં ફેફસાંના દર્દીઓની વધતી સંખ્યા હોવા છતાં, નિષ્ણાત ડૉક્ટરની ગેરહાજરીને કારણે ગંભીર દર્દીઓને યોગ્ય માર્ગદર્શન અને સારવાર મળી શકતી નથી. હાલની 20 નંબરની ઓપીડીમાં માત્ર ઇન્ટર્ન ડૉક્ટરો હોવાથી યોગ્ય નિદાન થતું નથી. કલેક્ટર દ્વારા મફત સારવારનો હુકમ હોવા છતાં, નિષ્ણાતની અછતને કારણે દર્દીઓને તેનો વાસ્તવિક લાભ મળતો નથી.સંઘે રજૂઆતમાં જણાવ્યું છે કે તા. 07/01/2025ના રોજ કલેક્ટર સમક્ષ 7 માગણીઓ રજૂ કરવામાં આવી હતી. જોકે, માર્ચ 2025થી ઓગસ્ટ 2025 દરમિયાનના 6 મહિનાના ગાળામાં જ સંઘના 7 સભ્યોનું સિલિકોસિસના કારણે અકાળે અવસાન થયું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સંઘે તેમની 7 માગણીઓ પૈકી 'અંત્યોદય રેશન કાર્ડ'ના મુદ્દાને પ્રથમ પ્રાથમિકતા આપીને તાત્કાલિક કાર્યવાહી કરવા માગણી કરી છે. સંઘનું માનવું છે કે આ પગલું સિલિકોસિસ પીડિતોને તેમની જીવનની જરૂરીયાતો પૂરી કરવામાં અને સુરક્ષિત જીવન જીવવામાં મદદરૂપ થશે. આ મુદ્દે મોરબી મામલતદાર સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. અગાઉ તા. 25/08/2025ના રોજ કલેક્ટર દ્વારા આગામી સપ્તાહમાં પીડિતો સાથે બેઠક યોજવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.