લોક અધિકાર મંચ દ્વારા પ્રાંત અધિકારીને રજૂઆત કરાઈ તંત્ર દ્વારા થતા ડિમોલેશનને અટકાવવા પણ રજૂઆત કરાઈ હળવદ : વિચરતી વિમુક્ત જાતિના લોકોને રહેણાક માટે જમીન પ્લોટ ફાળવણી તેમજ શિક્ષણ અને આજીવિકા માટે ગુજરાત સરકારના નિયમ મુજબ તાત્કાલિક વ્યવસ્થા કરી આપવા બાબતે લોક અધિકાર મંચ દ્વારા હળવદ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, વિચરતી વિમુક્ત જાતિના લોકો પૈકી દેવીપૂજક, મિયાણા તેમજ ચુવાળીયા કોળી સમુદાયના લોકોને ન્યાયિક પ્રક્રિયા મુજબ રહેઠાણ માટે જમીન, બાળકો માટે શિક્ષણ તેમજ પરિવારના ગુજરાન માટે રોજગાર આજીવિકાની આજદિન સુધી કોઈ ચોક્કસ વ્યવસ્થા ના હોવાના કારણે અધિકારો છીનવાઈ જવાનો ભય હોય તાત્કાલિક રહેવા માટે પ્લોટ ફાળવી આપવામાં આવે અને આજીવિકાની વ્યવસ્થા કરી આપવામાં આવે.વિચરતી વિમુક્ત જાતિના લોકો મિયાણા સમુદાયના લોકો માળિયા મિયાણા વિસ્તાર આઝાદી પહેલાથી વડવાઓ વસવાટ કરે છે, તેમજ ગુજરાત રાજ્યનો અતિ પછાત વિસ્તાર તરીકે પણ ગણવામાં આવે છે. શિક્ષણના અભાવના કારણે અમારી જ્ઞાતિના લોકો સાથે ભેદભાવ નીતિ અપનાવામાં આવી રહી છે. તેમજ ગઈ 13-3-2025ના રોજ નિર્દોષ સ્થાનિક લોકોને કોઈ ચોક્કસ નોટીસ પાઠવ્યા વગર ધંધા રોજગાર ઉપર ચીફઓફિસર માળિયા મિયાણા નગર પાલિકા દ્વારા બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું હતું. જેના કારણે લોકો અતિ હાંસિયામાં ધકેલાઈ ગયાની ભીતિ સર્જાઈ છે. તેઓનું પુનરવર્સન જરૂરી છે. હળવદ સામતસર તળાવના કાંઠેના રહેવાસી દેવીપુજક, અનુસુચિત જાતિ, ચુવાળીયા કોળી, સમુદાયના આશરે 100થી વધુ પરિવાર 30 વર્ષથી વધારે સમય થી ઝુપડા બાંધીને વસવાટ કરે છે. તેઓનું પણ હળવદ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા તારીખ 3 માર્ચે અને 7 માર્ચના રોજ 2 વાર બુલડોઝર ફેરવીને ત્યાંના સ્થાનિક લોકોના ઘર વખરી સહીત ધંધા રોજગારીના સામાનને પણ નુકસાન કરીને આ સમુદાયને માનસિક તેમજ આર્થિક આઘાત પહોંચાડ્યો હતો. જીન વિસ્તાર હળવદના રહેવાસી દેવીપુજક, મિયાણા, ચુવાળીયા કોળી સમુદાયના લોકો 40 થી વધુ વર્ષો થી જેતે વિસ્તારમાં બેરોકટોક કબજો ભોગવટો તથા વાપર ઉપભોગના કાયદેસરના હકદાર છે. તેઓને પણ કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર બુલ્ડોઝર કાર્યવાહી કરવાની નોટીસો પાઠવીને લોકોને ઘર વિહોણા કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. જે તદ્દન સરકારના નિયમ વિરુદ્ધ છે.ત્યારે આ સમુદાયના લોકોને રહેવાના અધિકારને માન્યતા અને સંવેદનશીલ વસ્તી માટે બનાવાયેલી સરકારી યોજનાઓ પહોંચાડવામાં આવે. તેઓને રહેણાક માટે જમીન પ્લોટ ફાળવવામાં આવે અને શિક્ષણ અને આજીવિકા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માગ કરાઈ છે.