મોરબી : મોરબીના રોહીદાસ સમાજ દ્વારા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં લેખિત રજૂઆત કરીને વારંવાર બંધ થતી રેલવે ફાટકના કારણે ઊભી થતી ટ્રાફિક સમસ્યા સંદર્ભે નવલખી રોડ ઉપર આવેલ રેલવે ફાટકે (સેન્ટ મેરી સ્કૂલની બાજુમાં) ટ્રાફિક પોલીસ મૂકવા માગ કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યું છે કે, નવલખી રોડ પર આવેલી રેલવે ફાટક જે લાયન્સ સ્કૂલ અને સેન્ટ મેરી સ્કૂલ પાસે આવી છે. ત્યાં વારંવાર ટ્રેનની અવરજવરના કારણે ફાટક બંધ થાય છે જેથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. ઘણી વખત અડધો કલાક સુધી ટ્રાફિકજામ રહે છે. આ અંગે વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરવામાં આવી નથી. ટ્રાફિકજામને કારણે વિદ્યાર્થીઓ હેરાન થાય છે. તેમજ હાલ બોર્ડની પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને પણ ટ્રાફિકમાં પરેશાન થવું પડે છે. ત્યાંથી પસાર થતી એમ્બ્યુલન્સને પણ સમયસર હોસ્પિટલ પહોંચવા તકલીફ પડે છે. તેથી આ રેલવે ફાટક પર ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટે ટ્રાફિક પોલીસ મૂકવામાં આવે તેવી રજૂઆત કરાય છે.