મોરબીઃ મોરબીના જુના બસ સ્ટેન્ડ ખાતે રહેલી રિઝર્વેશન બારી ઘણા સમયથી બંધ છે. ત્યારે રિઝર્વેશન બારી સત્વરે ખોલવા માટે માંગ કરવામાં આવી છે. મહત્વનું છે કે, મોરબી જુના બસ સ્ટેન્ડ ખાતે દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો આવતા હોય છે. મુસાફરો રિઝર્વેશન કરાવી શકે તે માટે બસ સ્ટેન્ડમાં બારી પણ રાખવામાં આવી છે પરંતુ આ બારી ઘણા સમયથી બંધ હોવાથી મુસાફરોને ભાડું ખર્ચીને નવા બસ સ્ટેન્ડે રિઝર્વેશન કરાવવા જવું પડે છે. રજૂઆત કર્તાએ જણાવ્યું છે કે, જુના બસ સ્ટેન્ડમાં કંટ્રોલ પોઈન્ટ પણ ચાલુ છે. લાખો રૂપિયાના ખર્ચે જુના બસ સ્ટેન્ડમાં સુવિધા વધારવામાં આવી છે પરંતુ હજુ સુધી આ સુવિધા મુસાફરોને મળતી નથી. સાથે જ બસ સ્ટેન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે બંધ રહેલી રિઝર્વેશનની બારી ખોલવા માટે પી.પી.જોષીએ પ્રજાજનો વતી તંત્રને રજૂઆત કરી છે.