મોરબી : મોરબીના શક્ત શનાળાના શક્તિ પ્લોટમાં આશરે દોઢેક મહિના પહેલા નવો આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે. જો કે આ રોડ પર સ્પીડબ્રેકર મૂકવામાં ન આવ્યા હોય અકસ્માતનો ભય ઉભો થયો છે ત્યારે તાત્કાલિક ધોરણે આ રોડ પર સ્પીડબ્રેકર બનાવવામાં આવે તેવી રહીશોની માગણી છે.સ્થાનિક રહીશોના જણાવ્યા પ્રમાણે, શક્તિ પ્લોટમાં દોઢેક માસ પહેલા આ નવો રોડ બનાવવામાં આવ્યો છે. પરંતુ રોડ પર ક્યાંય સ્પીડબ્રેકર મૂકવામાં નથી આવ્યા. જેના કારણે વાહન ચાલકો વધુ સ્પીડથી પસાર થઈ રહ્યા છે. આ રોડ પર શાળા પણ આવેલી છે. આ શાળાની પાસે પણ સ્પીડબ્રેકર મૂકવામાં નથી આવ્યા. જેના કારણે શાળાએ આવતા-જતા બાળકો સાથે અકસ્માત થવાનો ભય ઉભો થયો છે. સ્પીડબ્રેકર ન હોવાના કારણે વાહનચાલકો બેફામ રીતે હંકારીને નીકળતા હોય છે. તેથી શાળાની બંને બાજુ અને આખા રોડ પર થોડા થોડા અંતરે સ્પીડબ્રેકર મૂકવામાં આવે. આ ઉપરાંત રોડની સાઈડમાં પાણીના વાલ્વ ખોલવાની ખુલ્લી કુંડીઓ આવેલી છે. આ કુંડીઓને પણ યોગ્ય રીતે ઢાંકવામાં આવે તેવી લોકોની રજૂઆત છે.