સમસ્ત બહુજન મૂળનિવાસી સમાજ દ્વારા મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આવેદનપત્ર પાઠવાયુંમોરબી અપડેટ: મોરબી નગરપાલિકાનું હવે મહાનગરપાલિકામાં રૂપાંતર થઈ ગયું છે અને નવા બિલ્ડિંગમાં વહીવટી કામકાજ પણ શરૂ થઈ ગયું છે. ત્યારે મોરબીના સમસ્ત બહુજન મૂળનિવાસી સમાજ દ્વારા આજે તારીખ 29/09/2026 ના રોજ મેયર ઉત્તમ સુરાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં નવનિર્મિત બિલ્ડિંગ પર 'ડો. બાબાસાહેબ આંબેડકર મહાનગરપાલિકા, મોરબી' નામનું બોર્ડ લગાવવાની માંગ કરવામાં આવી છે.આવેદનપત્રમાં જણાવાયું છે કે, અગાઉ મોરબી નગરપાલિકાનું નામ ડો. બાબાસાહેબ આંબેડકર નગરપાલિકા હતું. પરંતુ નવા બિલ્ડિંગ પર હજુ સુધી આ નામફલક લગાવવામાં આવ્યું નથી. ભારતનું બંધારણ ઘડનાર અને તમામ નાગરિકોને સમાનતાનો અધિકાર અપાવનાર મહાન સમાજસુધારક ડો. બાબાસાહેબ આંબેડકરનું નામ સન્માનભેર પહેલાની જેમ જ ફરીથી લગાવવામાં આવે તેવી સમાજની નમ્ર માંગ છે.આ ઉપરાંત, આવેદનપત્રમાં વધુમાં રજૂઆત કરવામાં આવી છે કે દર વર્ષે 14 એપ્રિલ (જન્મજયંતિ) અને 6 ડિસેમ્બર (નિર્વાણ દિવસ) ના રોજ હજારો અનુયાયીઓ ભેગા થતા હોય છે. આ સમયે હાલની પ્રતિમા પાસે ઉભા રહેવાની પૂરતી જગ્યા પણ રહેતી નથી. આથી મોરબી મહાનગરપાલિકાના નવા બિલ્ડિંગના વિશાળ પ્રાંગણમાં ડો. બાબાસાહેબ આંબેડકરની નવી પ્રતિમા સ્થાપવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. જો આમ થશે તો તે મોરબી શહેર અને સમગ્ર જિલ્લાના નાગરિકો માટે ગૌરવની બાબત બની રહેશે.#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #DrBabasahebAmbedkar #MorbiNews #GujaratNews #AmbedkarStatue