રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ લેખિતમાં રજૂઆત મોરબી : મોરબી જિલ્લાની મચ્છુ-2 તેમજ મચ્છુ-3 યોજનાના કમાન્ડ વિસ્તારમાં વધારો કરવાની માગ સાથે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, હાલમાં મોરબી જિલ્લામાં બે સિંચાઈ યોજના મચ્છુ–2 તેમજ મચ્છુ-3 આવેલ છે. તેમાં મચ્છુ –2માં પહેલા કમાંડ વિસ્તારમાં ઘણો વિસ્તાર બિન ખેતી થયેલ છે, તેમજ હવે કેનાલને લીફ્ટ ઈરીગેશનમાં કન્વર્ટ કરેલ છે. ત્યારે મચ્છુ-2 યોજનાની કેનાલને મોટી કરીને કમાન્ડ વિસ્તારમાં વધારો થઇ શકે તેમ છે. કમાન્ડમાં વધારો શક્ય છે. કારણ કે મચ્છુ – 2 યોજનાના જુના કમાન્ડમાં ઘણો વિસ્તાર બિનખેતી થયેલ છે. કેનાલને ગ્રેવિટીને બદલે લીફ્ટ સિંચાઈમાં ફેરવવામાં આવેલ છે. મચ્છુ-2માં નર્મદા કેનાલનું પાણી પણ આવે છે. તો ઉપરનાં કારણો જોતા કમાન્ડમાં વધારો શક્ય છે. આ ઉપરાંત પાક વાવેતરમાં ફેરફાર આવેલ છે. પહેલા મગફળી અને બાજરી, કાઠોળનું વાવેતર કરવામાં આવતું હતું. અને રવિ સીઝનમાં ખેતરો ખાલી રહેતા હોવાથી ઘઉં અને રાયડો જેવા પાકોનું વાવેતર કરવમાં આવતું હતું. હવે કપાસનું વાવેતર વધારે થાય છે. તેથી ખેતરો ખાલી ના રહેતા હોય વાવેતર ઓછું થાય છે. તેમજ રવિ પાકમાં જીરુંના પાકનું વાવેતર થતું હોય પાણીની જરૂરત ઓછી હોય છે અને ચાલુ કેનાલની સ્થિતિ જોતા કમાન્ડ વસ્તારની બહાર લુટાવદર, પીપળીયા, ચાચાવદરડા, તરધરી અને મોટા દહીંસરાના ઘણા ખેતરોમાં ચાલુ વર્ષે રવિ પાકનું વાવેતર થયેલ છે. જે લોકો મચ્છુ – 2 કેનાલના વધારના પાણીનો ઉપયોગ કરેલ છે અને તેઓને પાણી મળેલ પણ છે. એટલે પાણીની ઘટ તે તો પાકું છે. સરકારને સિંચાઈ વિસ્તારના બહારના ખેતરોમાં થયેલ પાકની સિંચાઈ શુલ્કની આવક થતી નથી. જો કમાન્ડ વધારવામાં આવે તો સરકારને પણ આવક થાય. સામે પક્ષે ખેડૂતોને પણ પોતાના ખેતર કમાન્ડ વિસ્તારમાં આવવાથી ફાયદો થાય છે. તેમને પાક ધિરાણમાં પિયત વિસ્તાર તરીકે ધિરાણ વધારે મેળવી શકશે. ખેતરના નાના ટુકડા પણ ખાતે ચડી જશે. પોતાનો પાક સિંચાઈની સુવિધાને ધ્યાને રાખીને વાવેતર કરી શકશે. ગામડાઓમાંથી ખેડૂતોનું પલાયન અટકશે. તેને સિંચાઈનો લાભ મળશે. નમર્દા કમાન્ડમાં જે બચત છે, તેમાં એમનો સમાવેશ કરવાથી સરકારને પણ કમાન્ડ વિસ્તાર વધારે બતાવી શકાશે. તો આ બાબતો ધ્યાને લઇ વહેલાસર કેનાલ મોટી કરી કમાન્ડ વિસ્તારમાં વધારો કરવામાં આવે નહીતર મોરબીમાંથી પસાર થતી કેનાલને કવર કરી દેવામાં આવશે. તો પછી આમાં કોઇ સુધારો કરી શકાશે નહિ. કેનાલ ઉપર સ્લેબનું કામ કરતા પહેલા કમાન્ડ વિસ્તાર વધારવાના કામને અગ્રતા આપીને કમાન્ડ વધારવા માગણી કરાઈ છે. જો આ બાબતે યોગ્ય કરવામાં નહી આવે તે ના છૂટકે ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાયક્રમો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.