મોરબી : મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા દ્વારા શ્રમિકો માટે તાત્કાલીકના ધોરણે તેમના વતન જવા માટે વાહનની વ્યવસ્થા કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. કિશોરભાઈ ચીખલિયાએ લેખિત રજૂઆતમાં જણાવેલ છે કે ભારત સરકાર દ્વારા લોકડાઉન-3 માં શ્રમિકોને પોતાના વતન જવા માટેની પરવાનગી આપવમાં આવૅલ ત્યારે જીલ્લા પંચાયતની આરોગ્યની ટીમ મારફતે દિવસ-રાત કઠોર મહેનત કરી આશરે 97 હજાર જેટલા શ્રમિકોનું મેડીકલ ચેકઅપ કરેલ છે અને મેડીકલ સર્ટિફિકેટ પણ આપેલ છે. તેમજ સરકારની સુચના મુજબ આ સર્ટિફિકેટ ત્રણ દિવસ માટે જ માન્ય ગણાશે તેવું જણાવેલ છે પરંતુ આ શ્રમિકોને તેમના વતન જવા માટે કોઈ સચોટ વાહન વ્યવહારની વ્યવસ્થા થયેલ નથી. જેથી, આ શ્રમિકોને આપવામાં આવેલ મેડિકલ સર્ટિફિકેટનો નિયત કરેલ સમગાળો એટલે કે 3 દિવસમાં પૂર્ણ થઇ જશે અને ફરીથી મેડિકલ સર્ટી કઢાવવા પડશે ત્યારે આરોગ્ય તંત્ર તરફથી કરેલી આ અથાગ મહેનત પર પાણી ફરી વળશે અને આગામી સમયમાં આરોગ્ય તંત્ર અને શ્રમિકો માટે સ્થિતી અત્યંત કફોડી બનશે. જેથી, શ્રમિકોને તેમના વતન જવા માટે સરકારી ટ્રેન, બસ કે કોઇ ખાનગી વાહનોની વ્યવસ્થા કરી તેમના વતન પહોચાડવા માટે આદેશ કરવા અપીલ કરવામાં આવી છે.