મોરબી : મચ્છુ નદીમાં આવેલ પૂરના કારણે ચેકડેમો થયેલ નુકશાનને તાત્કાલિક રીપેર કરવા પગલાં લેવા બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા અને મોરબી જિલ્લા કોંગ્રેસ કમિટીના પૂર્વ પ્રમુખ તથા મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય મુકેશભાઈ બી. ગામી દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે સમગ્ર ગુજરાતમાં પૂરની પરિસ્થિતી ઉદ્ભવેલ છે. આ પૂરના કારણે ગુજરાતના ઘણા ચેકડેમો તૂટી જવા પામેલ છે. અને આ ચેકડેમો દ્વારા ખેડૂતોને શિયાળું પાકો માટે સિંચાઇની સુવિધા મળતી હતી. મોરબી જિલ્લામાં મચ્છુ નદી પર બાંધવામાં આવેલ ચેકડેમો જેવા કે વનાળીયા પાસેનો ચેકડેમ, માનસર પાસેનો ચેકડેમ તેમજ નારણકા પાસે ચેકડેમોને ખુબ જ મોટું નુકશાન થવા પામેલ છે. આ ચેકડેમો દ્વારા આજુબાજુના વિસ્તારના ખેડૂતોને રવિ સિઝન માટે સિંચાઇની સુવિધા મળતી હતી. જે આ ચેકડેમો તૂટી જવાના કારણે જૂટવાઈ જવા પામેલ છે. અતિ વૃષ્ટિના કારણે ખરીફ સિઝનનો પાક નિષ્ફળ જવા પામેલ છે. પ્રધાનમંત્રી વીમા યોજનામાં તો છેલ્લા ચાર વર્ષથી કોઈ જાતનો વીમો નુકશાન હોવા છતા મળેલ નથી. ચાલુ વર્ષે સરકારે વીમો મરજિયાત કરેલ છે. અને જાણવામાં આવેલ છે કે ચાલુ વર્ષે જે લોકોએ પ્રીમિયમ ભરેલ તે પણ પાછું આપવામાં આવેલ છે. આવા સંજોગોમાં ચેકડેમના પાણી દ્વારા રવિ સિઝનમાં તો પાક લઈ શકશે તે એક જ આશા આ ખેડૂતોને હતી જે પણ જૂટવાઈ જવા પામેલ છે. જો સરકાર દ્વારા તાત્કાલિકના ધોરણે આ ચેકડેમોનું રીપેરિંગ કરવામાં આવે તો હજુ પણ પાછલા વરસાદનું પાણી આ ચેકડેમોમાં સંગ્રહી શકાય તેમ છે. અને મચ્છુ–3ના પાણીથી પણ ચેકડેમો ભરી શકાય તેમ છે. તો જો આ બાબતે તાત્કાલિક યુધ્ધના ધોરણે આ રિપેરિંગ કામ કરવામાં આવે તો જ આ ખેડૂતોને ફાયદો થાય તેમ છે. તો આ બાબતે વહેલાસર આદેશો આપીને પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.