નેકનામ ગ્રામ પંચાયત દ્વારા રાજકોટ એસટી ડિવિઝનને રજુઆત કરાઈ મોરબી : એસટી તંત્રના અણઘડ નિર્ણયોને કારણે એસટીની સુવિધા વધવાને બદલે ઘટતી હોવાથી મુસાફરોમાં ભારોભાર અસંતોષ જોવા મળે છે.ત્યારે જામનગર એસટી ડેપોની મોરબી-પડધરી-રોહિશાળા રાત્રી રૂટ એકાએક બંધ કરી દેવાયા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.આથી નેકનામ ગ્રામ.પંચાયત દ્વારા રાજકોટ એસટી ડિવિઝનને રજુઆત કરીને જામનગર ડેપોના મોરબી-પડધરી-રોહિશાળા રૂટ પુનઃચાલુ કરવા માંગ કરાઈ છે. ટંકારા તાલુકાના નેકનામ ગ્રામ પંચાયત દ્વારા રાજકોટ એસટી ડિવિઝનને કરાયેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, જામનગર એસટી ડેપોનો મોરબી-પડધરી-રોહિશાળા રાત્રી રોકાણ અને સવારે રોહિશાળા-પડધરી-મોરબી-જામનગર રૂટ અગાઉ ચાલુ હતો.પંરતુ એસટી તંત્ર દ્વારા મનસ્વી નિર્ણય લઈને જામનગર એસટી ડેપોનો આ રૂટ એકએક બંધ કરી દેવામાં આવ્યો છે.એથી ગ્રામ્ય વિસ્તારોના મુસાફરોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.તેથી ગ્રામ્ય મુસાફરોને પડતી હાલાકીને ધ્યાને લઈને સાંજે છ કલાકે મોરબીથી પડધરી, પડધરીથી રોહિશાળા રાત્રી રોકાણ તેમજ સવારે રોહિશાળાથી પડધરી તેમજ પડધરીથી મોરબી રૂટ ફરીથી ચાલુ કરવાની માંગણી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એસટી તંત્ર ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં એસટી રૂટ વધારવાની બદલે હયાત સુવિધાઓ ઉપર પણ એક યા બીજા કારણોસર તરાપ મારે છે. ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોથી ચાલતા એસટી રૂટમાં મુસાફરો ઓછા હોવાના બહાના હેઠળ એ રૂટ એકઝાટકે જ બંધ કરી દેવામાં આવે છે.જેથી ગ્રામ્ય વિસ્તારોના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે.તેથી એસટી તંત્ર ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધા ઘટાડવાને બદલે વધે તેવા પ્રયાસો કરે તેવી માંગ ઉઠી છે.