ટંકારાના 6 ગામોના સરપંચોએ પોતાના ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ આપવા કાર્યપાલક ઈજનેરને રજુઆત કરી ટંકારા : ટંકારા પંથકમાં છેલ્લા બે વર્ષથી ઉપરાઉપરી અતિવૃષ્ટિથી ખેતીમાં મોટાપાયે તારાજી થઈ હતી. ત્યારે વર્ષે રવિ પાકમાં પણ ખેડૂતો ખાસ કશુ જ ઉકાળી શકયા નથી. આવા સંજોગોમાં આ ખોટ સરભર કરવા ખેડુતો ચોમાસા પહેલા આગોતરા વાવેતરની તૈયારી કરી રહ્યા છે. તેથી, ટંકારાના 6 ગામોના સરપંચોએ મિતાણાના ડેમી-1માંથી ચોમાસાના આગોતરા વાવેતર માટે પાણી છોડવાની માંગ કરી છે. ટંકારા તાલુકાના હીરાપર ગ્રામ પંચાયતના સરપંચ મીનાબેન રમેશભાઈ, સરાયા ગ્રામ પંચાયતના સરપંચ મેઘનાબેન ઢેઢી, નેસડા (સુ.) ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ વિરમગામાં, નાના ખીજડિયા ગ્રામ પંચાયત અને મોટા ખીજડિયા ગ્રામ પંચાયત તથા કલ્યાણપર ગ્રામ પંચાયતના સરપંચ ડી. એમ. પટેલએ ટંકારાના મીતાણાના ડેમી-1 ડેમના કાર્યપાલક ઈજનેરને રજુઆત કરી હતી કે, ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે ચોમાસા પહેલા ખેડૂતો વાવેતર કરી શકે તે માટે પાણીની જરૂર છે. જો કે આ છ ગામોના ખેડૂતો ચોમાસાનું આગોતરું વાવેતર કરવાની તૈયારી કરી રહ્યા છે. આથી, ખેડૂતોના મોંઘા ભાવના ખાતર, દવા, બિયારણ ન બગડે તે માટે મીતાણાના ડેમી-1 ડેમમાંથી ઉપરોક્ત છ ગામોના ખેડૂતોને ચોમાસાના આગોતરા વાવેતર માટે પાણી આપવાની માંગ કરી છે.