મોરબી : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના કાંતીલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગુજરાત સરકારના વિભાગોમાં આઉટ સોર્સીંગ બંધ કરી ભરતી કરવા માંગ કરી છે. આ રજુઆતમાં જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત સરકારના દરેક વિભાગોમાં કર્મચારીઓની ખુબ જ મોટી માત્રામાં ઘટ છે. સરકાર દ્વારા યુવાનોની ભરતી કરવામાં આવતી નથી. જેના કારણે યુવાનોની બેકારીમાં વધારો થાય છે. સરકાર ભરતી માટેની પરીક્ષાઓના નાટકો કરે છે. પરતું કોઈ નક્કર પરિણામ આવતું નથી. તેમજ સરકાર નિષ્પક્ષ, તટસ્થ કે ભ્રષ્ટ્રાચાર અને ગરબડો વગરની પરીક્ષા પણ લઈ શક્તિ નથી. આ ઉપરાંત, આઉટ સોર્સ દ્વારા લગતા-વળગતાને કોન્ટ્રાક્ટો આપી ભ્રષ્ટાચાર આચારવામાં આવે છે. આઉટ સોર્સિંગની એજન્સીઓ યુવાનોનું શોષણ કરે છે. પૂરતો પગાર તો નથી આપવામાં આવતો પરંતુ જે આપવામાં આવે છે તે પણ સમયસર ચુકવવામાં આવતો નથી. અને આવા કર્મચારીઓ ભ્રષ્ટ્રાચાર કરે તો સરકારમાં તેની સામે છૂટા કરવાથી વધારે કોઈ કાર્યવાહી પણ કરવામાં નથી આવતી. વધુમાં, પૂરતા કર્મચારીઓના અભાવે લોકોના કામો સમયસર થતાં નથી. જેનાથી લોકો પરેશાન થાય છે. આ બધી પરિસ્થિતિનો ઉકેલ લાવવા તેમજ બેકરીમાં ઘટાડો કરવા તાત્કાલિક સરકારથી દરેક વિભાગોમાં મંજૂર કરવામાં આવેલ મહેકમ મુજબની કર્મચારીઓની ભરતી તાત્કાલિક કરવામાં આવે અને રાજ્યની પ્રજાને સારું શાશન મળે, પોતાના કામો ભ્રષ્ટાચાર વગર થાય તેવું આયોજન થાય અને યુવાનોને રોજગાર મળે એવું યોગ્ય કરવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના કાંતીલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને માંગ કરી હતી.