હળવદ : અગરિયાના વિકાસ માટે ફાળવાયેલા કરોડોના વણવપરાયેલ ભંડોળમાંથી પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય, આવાસ યોજનાના લાભો આપવા ધ્રાંગધ્રાની સ્વૈચ્છીક સંસ્થા દિશા-નિર્દેશ સમિતિ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધીને હળવદના ધારાસભ્ય પરસોતમ સાબરીયા, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવાયું છે કે ગુજરાત સરકારમાં અગરિયાના વિકાસ માટે કરોડોનું ભંડોળ ફાળવાયેલું હોવા છતાં અગરિયા સમુદાયના બાળકો માટે પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય, આવાસ યોજનાના કાયમી લાભો યોગ્ય સ્વરૂપે પ્રાપ્ત થતા નથી. હાલમાં સરકારમાં રજૂ થયેલા કેગના અહેવાલમાં અનેક બાબતોમાં સરકારની પ્રતિબદ્ધતા અને ખામીઓ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં એક અગત્યનો મુદ્દો અગરિયા સમુદાયને લગતો પણ છે. કેગના રિપોર્ટ અનુસાર, અગરિયાઓ માટે રૂપિયા 34.69 કરોડનું ભંડોળ વણવપરાયેલું પડ્યું છે અને અગરિયાઓ ઝૂંપડાંમાં રહેવા મજબૂર બન્યા છે એમ કેગે તેના રીપોર્ટમાં ટાંક્યું પણ છે ત્યારે કચ્છના નાના રણમાં રહેતા અગરિયા સમુદાયોના બાળકોને પણ રાષ્ટ્રના દરેક નાગરિકની જેમ જ બંધારણના મૂળભૂત અધિકારો મુજબના અગરિયા સમુદાયના બાળકો માટે પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય, આવાસ યોજનાના લાભો કાયમી ધોરણે આપવા બાબતે સરકાર પાસે ભારપૂર્વક માંગણી કરવામાં આવી છે.