ઓવરલોડ વાહનોની અવરજવરના લીધે રોડ મજબૂત બનાવવા કોંગ્રેસ અગ્રણીની રજૂઆત મોરબી : મોરબીના રવાપર-ધુનડા-સજનપર-જડેશ્વર સુધીના રસ્તાને રીસરફેસ તથા પેચિંગ કરવા બાબતે મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના કાંતિલાલ પડસુમ્બીયા દ્વારા મોરબીના માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જીનીયરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે મોરબીના રવાપર ગામથી ધુનડા - સજનપર - જડેશ્વર સુધીનો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે. આ રોડ પર દરરોજ નાના-મોટા અકસ્માતો થાય છે. આ રોડ ઉપર સ્કૂલો તથા રેસીડેન્સ ઉદ્યોગો અને પ્રખ્યાત જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જડેશ્વર મંદિરની બાજુમાં જિલ્લા નવોદય વિદ્યાલય પણ આવેલી છે. આ રોડ પર સ્કૂલે જતા વિદ્યાર્થીઓ તથા ઉદ્યોગ-ધંધે જતાં આવતાં વેપારીઓ, કારીગરો, મજૂરો, રાહદારીઓ, ખેતપેદાશો મોરબી લાવતા ગામલોકો તથા જડેશ્વર મંદિરના દર્શને આવતા યાત્રાળુઓને ભારે હાલાકી વેઠવી પડે છે. આ રોડ પર કપચી ભરેલ ઓવરલોડર ટ્રક વહન કરે છે. જેના કારણે રોડ અવારનવાર તૂટી જાય છે. તો આ રસ્તા પર તાત્કાલિક ધોરણે રીસરફેસ તથા પેચીંગનું કામ કરવામાં આવે તથા 40 ટન વજનની કેપેસિટી મુજબની ડીઝાઈન બનાવવામાં આવે તેવી માંગણી કરાઈ છે.