સામાજિક અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને લેખિત રજુઆત મોરબી : જિલ્લા કક્ષાની મોરબી સિવિલ હોસ્પિટલમાં ખાટલે મોટી ખોટ રૂપે પૂરતા તબીબોની નિમણૂક કરવામાં ન આવતા લોકોને ના છૂટકે ખાનગી દવાખાનામાં સારવાર લેવા જવું પડે તેવી સ્થિતિમાં તાકીદે નિષ્ણાંત તબીબોની નિમણૂક કરવા સામાજિક અગ્રણીઓ દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે. મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા અને જીજ્ઞેશભાઈ પંડ્યા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી મોરબી સિવિલમાં ઓર્થોપેડિક સર્જન, સ્કિન સ્પેશ્યલિસ્ટ તબીબ તેમજ રેડીયોલોજીસ્ટની નિમણૂક કરવા માંગ ઉઠાવી છે. વધુમાં રજુઆતમાં જણાવાયું છે કે જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન સ્કિન સ્પેશ્યાલિસ્ટ તબીબ અને રેડીયોલોજીસ્ટ ન હોવાને કારણે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ના છૂટકે ખાનગી દવાખાનાઓમાં સારવાર માટે જવું પડે છે. જેથી સત્વરે ઉપરોક્ત તબીબોની નિમણૂક કરવા માંગ ઉઠાવી છે.