નાગરિકોના આરોગ્ય સાથે થઈ રહેલા ચેડા અટકાવવા સામાજિક કાર્યકરોની મ્યુનિ. કમિશનરને રજૂઆતમોરબી: મોરબી મહાપાલિકાના કમિશ્નરને સામાજિક કાર્યકરો દ્વારા ફૂડ ઇન્સ્પેક્ટર (ખાદ્ય નિરીક્ષક)ની તાત્કાલિક નિમણૂક કરવા માટે રજુઆત કરવામાં આવી છે. રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ અને ગીરીશભાઈ છબીલભાઈ કોટેચાએ રજુઆતમાં જણાવ્યું હતું કે લાંબા સમયથી ફૂડ ઇન્સ્પેક્ટરની નિમણૂક ન થવાને કારણે શહેરના નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે.આગામી દિવાળી જેવા મોટા તહેવારોને ધ્યાનમાં રાખીને, આ કાર્યકરોએ ચિંતા વ્યક્ત કરી છે કે ફૂડ ઇન્સ્પેક્ટરના અભાવે મીઠાઈ, હોટલો, લારીઓ અને નાની દુકાનોમાં વેચાતા ખાદ્ય પદાર્થોની કોઈ ચકાસણી કે તપાસ થતી નથી. પરિણામે, જૂના, અપ્રમાણભૂત કે નકલી ખાદ્ય પદાર્થો વેચાવાની અને પ્રજાના આરોગ્યને ગંભીર જોખમ ઊભું થવાની શક્યતા છે.સામાજિક કાર્યકરોની ટીમે સર્વે કરીને હકીકત બહાર લાવી છે કે અનેક દુકાનોમાં સ્વચ્છતા અને ખાદ્ય ગુણવત્તાની સ્થિતિ ચિંતાજનક છે. તેમણે મોરબી મહાપાલિકાને એક સક્ષમ અને ઇમાનદાર ફૂડ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક નિમણૂક કરવા અને તહેવારો પહેલા ખાદ્ય પદાર્થોની તપાસનું વિશેષ અભિયાન હાથ ધરવા અપીલ કરી છે, જેથી મોરબીની પ્રજાને સલામત અને સ્વચ્છ ખોરાક મળી રહે અને આરોગ્ય સંબંધિત સુરક્ષા પૂરી પાડી શકાય.