પ્રોપેન ગેસની અછત વચ્ચે મોરબી સિરામીક ઉદ્યોગકારો ફરી નેચરલ ગેસ તરફ વળ્યાં મોરબી : પ્રોપેન ગેસમાં અછત અને ભાવવધારાને પગલે મોરબીના સિરામીક ઉદ્યોગકારો ફરી ગુજરાત ગેસના નેચરલ ગેસ તરફ વળ્યાં છે, હાલમાં ગુજરાત ગેસની દૈનિક 15થી 17 લાખ ક્યુબિક મીટર ગેસની ખપત સામે આગામી અઠવાડિયામાં ગુજરાત ગેસની દૈનિક ખપત ફરી 55 લાખ ક્યુબિક મીટર દૈનિક થાય તેવા સંકેતો વચ્ચે સિરામીક કંપનીઓ દ્વારા ધડાધડ એમજીઓ કરવામાં આવી રહ્યા હોવાની વિગતો સાંપડી રહી છે. વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામીક ક્લસ્ટરમાં સસ્તા ઇંધણના વિકલ્પરૂપે ઉદ્યોગકારો દ્વારા ગુજરાત ગેસ છોડી સસ્તો પ્રોપેન ગેસનો વપરાશ શરૂ કર્યો હતો પરંતુ ટૂંક સમયમાં જ પ્રોપેન ગેસની અછત સર્જાવાની સાથે પ્રોપેન ગેસમાં 13થી 14 રૂપિયાનો વધારો થતા મોરબીના સિરામીક ઉદ્યોગ દ્વારા ફરી ગુજરાત ગેસના પાઈપલાઈન નેચરલ ગેસનો વપરાશ શરૂ કરવામાં આવ્યો છે. મોરબી સિરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોપેન ગેસની અછત વચ્ચે ભાવવધારો અમલી બનતા મોરબીના સિરામીક ઉદ્યોગકારો દ્વારા ફરી નેચરલ ગેસનો વપરાશ વધારવામાં આવ્યો છે, વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, હાલમાં મોરબીમાં દૈનિક 15થી 17 લાખ ક્યુબિક મીટર નેચરલ ગેસનો વપરાશ થઇ રહ્યો છે અને હાલના સંજોગો જોતા આગામી અઠવાડિયામાં ગુજરાત ગેસનો દૈનિક વપરાશ દૈનિક 50 લાખ ક્યુબિક મીટર સુધી પહોંચી જશે અને ઉદ્યોગકારો દ્વારા આ માટે એમજીઓ પણ કરવામાં આવી રહ્યા હોવાનું તેઓએ અંતમાં ઉમેર્યું હતું.