હાલ નવા ડેલા રોડ ઉપર સીસીરોડનું કામ ચાલુ હોય તાકીદે પોલ ફરીથી ઉભો કરવાની જાગૃત નાગરિકે રજુઆત કરી મોરબી : મોરબીના બજાર વિસ્તાર નવાડેલા રોડ ઉપર અગાઉ કોઈ અજાણ્યા વાહનની ઠોકરથી સીસીટીવી કેમેરા સાથેનો થાંભલો ધારાશાયી થયો હતો. ત્યારબાદ ફરીથી આ થાંભલો ઉભો કરવામાં આવ્યો નથી. ત્યારે હાલ નવાડેલા રોડ ઉપર સીસીરોડનું કામ ચાલતું હોય તેમાં જ ફરીથી નવો સીસીટીવી કેમરાનો પોલ ઉભો કરવાની માંગ સાથે જાગૃત નાગરિક એ ડિવિજન પોલીસને લેખિતમાં રજુઆત કરી છે. મોરબીના જાગૃત નાગરિક જીતુભાઇ ઠક્કરે મોરબી એ ડિવિજન પોલીસને લેખિતમાં રજુઆત કરી હતી કે મોરબીના હાર્દ સમાં બજાર વિસ્તાર ગણાતા નવા ડેલા રોડ ઉપર વિજય ટોકીઝ પાસે ખોડિયાર ટી સ્ટોલની બાજુમાં અગાઉ ગુનાહિત પ્રવૃતિઓ અટકાવવા માટે પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાનો થાંભલો નાખવામાં આવ્યો હતો. પરંતુ ત્રણ મહિના પહેલા કોઈ અજાણ્યા વાહનની ઠોકર લાગતા આ સીસીટીવી કેમેરાનો થાંભલો જમીનદોસ્ત થઈ ગયો હતો. ત્યારબાદ આજદિન સુધી આ સીસીટીવી કેમેરાનો થાંભલાને નવો બનાવવામાં આવ્યો નથી. ખાસ કરીને પોલીસના આ સીસીટીવી કેમેરાથી કોઈપણ ગુનાઓ બને તો તેમાં ગુનેગાર સુધી પહોંચવામાં મદદ મળતી હોય છે. સીસીટીવી કેમેરાએ પોલીસની તીસરી આંખ ગણાય છે. આથી, આ ભરચક્ક બજાર વિસ્તારમાં ફરીથી સીસીટીવી કેમેરા સાથેનો પોલ ઉભો કરવામાં આવે તે જરૂરી છે. કારણ કે નવા ડેલા રોડ ઉપર કદાચ ગુનાઓ બને તો તેમાં પોલીસને આરોપી સુધી પહોંચવામાં મદત્વની કડીરૂપ સાબિત થાય તેમ છે. તેમાંય હાલ સીસીરોડનું કામ ચાલુ છે. તેથી, આ કામગીરી દરમિયાન જ સીસીટીવી કેમેરાનો પોલ નાખવાની તેઓએ માંગ કરી છે.