સામાજિક કાર્યકરોની મુખ્યમંત્રીને રજૂઆત મોરબી : મોરબી સીવીલ હોસ્પીટલમાં લેડીઝ શૌચાલય ખંઢેર હાલતમાં છે તે નવું બનાવવા અંગે મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, અશોક ખરચરીયા, જગદીશભાઇ જી. બાંભણીયા, મુસાભાઇ બ્લોચ, જીજ્ઞેશભાઇ પંડયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી અને રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવાયું છે કે મોરબી જીલ્લામાં એક માત્ર સીવીલ હોસ્પીટલ આવેલ છે પરંતુ કમનસીબે અહીંયા લેડીઝ માટેનું શૌચાલય નથી. અને જે છે તેમાં એક વર્ષથી ખંઢેર હાલતમાં પડેલ છે અને ત્યાં કોઇ જાતની સફાઇ થતી નથી. પોખરા ભરાઇ જવાથી પાણીનો નીકાલ થતો નથી. તો મોરબી જીલ્લા કે અન્ય ગામમાંથી આવતા દર્દીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સને 2014થી અવારનવાર રજુઆત કરેલ હતી. અને આ શૌચાલયની મરામત માટે ગ્રાન્ટ રૂ. 97.63 લાખની ગ્રાન્ટ મંજુર થયેલ છે. પરંતુ આ અંગે કોઇપણ જાતનું કામકાજ હજુ સુધી થયેલ નથી. અને જે થયેલ છે તે ગોકળગાયની ગતીએ થયેલ છે અને જાહેર શૌચાલયને તાળા લગાડેલ છે. આર.એમ.ઓ.ની ઓફીસની સામે જ શૌચાલયને તાળા મારેલ છે અને ઓફીસની સામે ગંદકીનો રાફડો ફાટેલ છે. છેલ્લા 6થી 7 મહિનાથી આ શૌચાલયને તાળા મારેલ છે. પુછવામાં આવે તો કહે છે કે રીપેરીંગ કામ હાલ ચાલુ છે તો રીપેરીંગ કામ શું છ-છ મહીના ચાલે? એમ પ્રજા પુછે છે. આ ઉપરાંત, સીવીલ હોસ્પીટલનું મેઇન બોર્ડ પણ હાલ કચરમાં ઘા ખાય છે. આ અંગે પણ રજુઆત કરવામાં આવેલ છે. તો આ બોર્ડ આગળના ગેઇટ પાસે મુકવા રજુઆત છે. જેથી કરીને બહારગામથી આવતા માણસોને ખ્યાલ આવે કે અહીંયા સીવીલ હોસ્પીટલ આવેલ છે. તથા હોસ્પીટલમાં આવેલ પી.એમ. (પોસ્ટમોર્ટમ) રૂમ ખખડી ગયેલ છે તેને પણ મોટો બનાવો અને ડેડ બોડી વધારે એકસાથ ભેગી થાય ત્યારે બોડીને સ્ટ્રેકચર ઉપર સુવડાવવી પડે છે. તો જીલ્લા પ્રમાણે મોટો પી.એમ. રૂમ બનાવવા રજુઆત કરાઈ છે.