ભારેખમ ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ફલાય ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજુઆત મોરબી : મોરબીના પ્રવેશદ્રાર ગણાતા અને શહેરની શાન સમાં ઉમિયા સર્કલે ટ્રાફિકનું ભારણ ખૂબ જ વધી ગયું છે. ઉમિયા સર્કલે હજારો વાહનોનો ઘસારો રહેતો હોવાથી ભારેખમ ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ઉમિયા સર્કલે ફલાય ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે સામાજિક કાર્યકર દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. મોરબીના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને રજુઆત કરતા જણાવ્યું હતું કે, મોરબી ભૂતકાળમાં સૌરાષ્ટ્રનું પેરિષ ગણાતું હતું. પણ હવે મોરબીનો જે રીતે આપબળે જેટ ગતિએ વિકાસ થઈ રહ્યો છે તે જોતા સરકાર તરફથી માળખાકીય સવલતો ન મળતા વિકાસ અવરોધરાઈ રહ્યો છે. ખાસ કરીને વાહનો વધતા માર્ગો સાંકળા બની ગયા છે. તેમાંય મુખ્યમાર્ગોની હાલત તો કપરી છે. મોરબી ઔધોગિક નગરી હોવાથી બહારથી પણ મોટી માત્રામાં વાહનો આવતા હોય અને શહેરમાં દરેક વ્યક્તિ પાસે વાહન હોય એટલે વાહનો વધવાને કારણે માર્ગો ઉપર ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. આવી રીતે શહેરના હાર્દ સમાં શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલે 24 કલાક હજારો વાહનોની અવરજવર રહે છે. તેથી ઉમિયા સર્કલે ટ્રાફિકનું ભારણ વધતા વારંવાર ટ્રાફિકજામ થાય છે. આથી અહીં ટ્રાફિક સમસ્યા અને અકસ્માતનું પ્રમાણ ઘટાડવા માટે ઉમિયા સર્કલે ફલાય ઓવરબ્રિજ બનાવવાની માંગ ઉઠાવી છે.