નવ માલધારીએ પશુપાલન મંત્રી તેમજ જિલ્લા પંચાયત શાખાના પશુપાલન અધિકારીને રજુઆત કરી મોરબી : મોરબી તાલુકાના ઘુનડા (સ) ગામે થોડા દિવસો પહેલા ઘેટાંમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો અને ભેદી રોગચાળામાં નવ માલધારીઓના 621 જેટલા ઘેટાંના મોત નિપજતા માલધારીની આજીવિકા છીનવાઈ ગઈ છે. આથી આ મલાધારીએ ઘેટાંના મોત મામલે સરકારી આર્થિક સહાયની માંગણી કરી છે. મોરબી તાલુકાના ઘુનડા (સ) ગામે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા માલધારી હમીરભાઈ ભવાનભાઈ રબારી, દેવરાજભાઇ રબારી, રમેશભાઈ રબારી, નવઘણભાઇ રબારી, લાખાભાઇ રબારી, નારણભાઇ રબારી, કાનજીભાઈ રબારી અમરશીભાઇ રબારી અને વેલજીભાઇ રબારીએ પશુપાલન મંત્રી અને મોરબી જિલ્લા પંચાયતના પશુપાલન અધિકારીને રજુઆત કરી હતી કે, મોરબીના ઘુનડા (સ) ગામે થોડા સમય પહેલા પશુઓમાં ભેદી રોગચાળો ફાટી નીકળતા ઘેટાઓના ટપોટપ મોત નિપજ્યા હતા. જે તે વખતે પશુપાલનની વિભાગના ડોકટરોની ટીમ આ ગામે દોડી જઈને પશુઓનો સર્વે કરી રોગનું નિદાન કર્યું હતું.તેમજ રોગચાળો અટકાવવા માટે પશુઓમાં રસીકરણ પણ કરવામાં આવ્યું હતું. જો કે, આમ છતાં આ ભેદી રોગના કારણે માલધારીઓના કુલ મળી 621 જેટલા ઘેટાંઓના મોત નિપજ્યા હોવાથી તેમની આજીવિકા છીનવાઈ ગઈ છે અને ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. આથી માલધારીએ તેમના ઘેટાંઓના મોત મામલે તાત્કાલિક સરકારી યોજના મુજબ આર્થિક સહાય કરવાની માંગ કરી છે.