2 વર્ષથી તંત્ર દ્વારા સમસ્યાનો નિરાકરણ ન કરાતુ હોવાની રાવ મોરબી : હવે ચોમાસાની ઋતુ નજીક છે. ત્યારે મોરબીના અવની પાર્કમાં વરસાદી પાણીના નિકાલ બાબતે અવની પાર્કના રહીશ દ્વારા 2 વર્ષ પહેલા પાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ વર્ષ 2019 અને 2020માં પણ તંત્ર દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવતો નથી. ત્યારે આ વર્ષે ચોમાસા પહેલા કામગીરી કરી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે. મોરબી શહેરમાં કેનાલ રોડ પર આવેલ અવની પાર્કના જાગૃત નાગરિક હર્ષદભાઈ કાવર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવા બાબતે તા. 19/08/2019ના ઈમેલ થકી જાણ કરવામાં આવેલ હતી. ત્યારબાદ ગત વર્ષ 2020માં પણ તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન થવાથી અવની રોડ ઉપરના મકાનોમાં અને એપાર્ટમેન્ટોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ચાલુ વર્ષે પાણીના નિકાલ પર માટી નાખી તંત્રએ નિકાલ બૂરી નાખતાં વિકટ પરિસ્થિતિ સર્જાવાની ભીતિ છે. તો તાત્કાલિક યોગ્ય પગલાં લઈ વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવા આ વર્ષની રજુઆતમાં અનુરોધ કરવામાં આવેલ છે.