મોરબી તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા રાજયમંત્રી બ્રિજેશ મેરજાને રજુઆત : મોરબી અને માળીયા(મી) તાલુકાના ખેડતોને અતિવૃષ્ટીથી થયેલ નુકશાનીનું વળતર ચૂકવવા પણ માંગ મોરબી : મોરબી સિરામિક ઉદ્યોગમાં ભારે વાહનોની અવર–જવર વચ્ચે સીરામીક ઝોન વિસ્તારમાં આર.સી.સી રોડની ખાસ જરૂરીયાત હોય ક્રિટિકલ ઈન્ફ્રાસ્ટ્રકચર યોજના (૮૦–૨૦ સ્કીમ) હેઠળ મોરબી ઔદ્યોગિક વિસ્તારના રોડ રસ્તા મંજુર કરવા તેમજ અતિવૃષ્ટિગ્રસ્ત મોરબી માળીયા તાલુકા માટે નુકશાની વળતર ચૂકવવા તાલુકા ભાજપ પ્રમુખે રાજ્યમંત્રી સમક્ષ રજુઆત કરી છે. મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા દ્વારા રાજયમંત્રી બ્રિજેશ મેરજાને રજુઆત કરવામાં આવી હતી કે, વર્ષ ૨૦૨૧–૨૨ માં ક્રિટિકલ ઈન્ફ્રાસ્ટ્રકચર યોજના (૮૦–૨૦ સ્કીમ) હેઠળ મોરબી ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ એસોસીએશન તથા મોરબી-વાંકાનેર ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ એસોસીએશન તથા મંગલચેતના ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ એસોસીએશન મારફત ત્રણ (૩) પ્રોજેકટ અન્વયે ૧૮ આર.સી.સી રોડ (અંદાજીત ૨કમ ૩૨ કરોડ) મંજુરી અર્થે સાદર કરેલ છે. ઉપરોકત પ્રોજેકટ હેઠળના રસ્તાઓ હાલ ખુબ ખરાબ હોવાના કારણે ઉદ્યોગકારો ખુબ જ મુશ્કેલી ભોગવી રહયા છે. તેથી ત્રણેય પ્રોજેકટને મંજુર કરવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી ઉઠાવી છે. આ ઉપરાંત આ વર્ષે ચોમાસાની સીઝનમાં નિરંતર વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે મોરબી જીલ્લાનાં મોરબી અને માળીયા(મી) તાલુકામાં સતત વરસાદના પગલે લીલા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે. કયાંક વાવણી ન થઈ શકી તો કયાંક વાવણી બાદ ખેડ, નિંદણ ન થઈ શકવાથી મોલ બળી જવાથી આ વર્ષે ઉપજમાં ઘણું મોટુ નુકશાન વેઠવું પડે એવી સ્થિતિ ઉભી થઈ શકે તેમ છે. મોરબી તાલુકાનાં આમરણ, બગથળા, શકત શનાળા, મહેન્દ્રનગર, ઘેટું, રવાપર, ત્રાજપર, જેતપર જીલ્લા પંચાયત સીટ વિસ્તાર હેઠળ આવતા ગામો તેમજ માળીયા(મી) નાં ખાખરેચી–મોટા દહિંસરા જીલ્લા પંચાયત સીટ વિસ્તાર હેઠળ આવતા ગામોનો અધિકારીઓ દ્વારા રૂબરૂ સર્વે કરાવી વહેલી તકે યોગ્ય વળતર ચુકવવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.