મોરબી તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા જામનગરના સાંસદને રજુઆત કરાઈ મોરબી : મોરબી તાલુકાના આમરણ પીએચસીમાં લેબોરેટરી માટે ઓટોગ એનેલાઇઝર સેલ કાઉન્ટર મશીન ફાળવવાની માંગ સાથે મોરબી તાલુકા પંચાયતના સદસ્ય જાગૃતિબેન યોગેશભાઈ વાઘડિયા તથા યોગેશભાઈ હસમુખભાઈ વાઘડિયા દ્વારા જામનગરના સાંસદને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવ્યું હતું કે, આમરણમાં આવેલ પી.એચ.સીનો આમરણ ચોવીસી વિસ્તારમાં રહેતી અને ખેતી પર નભતી પ્રજા બહોળા પ્રમાણમાં લાભ લે છે. પરંતુ લેબોરેટરી માટે મોરબી જવું પડતું હોય આ વિસ્તારની પ્રજા માટે આર્થિક બોજ સહન કરવો પડતો હોય છે. આથી જો આમરણ પી.એચ.સી. કેન્દ્રમાં આ મશીન ઉપલબ્ધ કરાવામાં આવે તો ચોવીસી વિસ્તારની પ્રજાને આરોગ્ય વિષયક સુવિધા મળી શકે તેમ છે. તેથી વિસ્તારની પ્રજાનો સમય અને નાણાંનો વ્યય થતો બચી શકે તેમ છે. આથી આમરણ ચોવીસી વિસ્તારમાં લોકોને આરોગ્ય સેવાનો લાભ મળે તે માટે લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ કરવાની માંગ કરી હતી.