મોરબીના ઓમનગર ગ્રામ પંચાયત દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરાઈ મોરબી : કોરોના મહામારીમાં અનેક લોકો મોતના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે જેમાં ખેડૂતો અને ખેતમજૂરો પણ બાકાત રહ્યા નથી. કોરોના મહામારીમાં ખેડૂતો અને ખેતમજૂરોનો ભોગ લેવાતા આ પરિવારના આધારસ્તંભના અવસાનથી તેમના પરિવારો નોંધારા બની ગયા છે આથી આવા ખેડૂત પરિવારોને સહાય આપવાની માંગ સાથે ખેડૂત તેમજ ખેતમજૂરોના પરિવારોને અકસ્માત વીમાનું રક્ષણ આપવા મોરબીના ઓમનગર ગ્રામ પંચાયત દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરાઈ છે. ઓમનગર ગ્રામ પંચાયતે કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, કોરોના મહામારીમાં રાજયમાં ખેડૂતો અને ખેત મજુરો દીન પ્રતીદીન મરી રહયા છે. આવા કુટુંબોનો મોભી મરણ પામતા કુટુંબો નિઃસહાય અને નોંધારા બની ગયા છે. તેમને કુટુંબનુ ભરણપોષણ કેમ કરવું તે ખુબ જ મુશ્કેલ છે. કોરોનાની અસરના કારણે કામ ધંધા બંધ છે. જે કાઈ બચત રકમ હતી તે પણ કોરોનાની સારવારમાં ખર્ચાઈ ચુકી છે. આવી દયનીય સ્થિતી છે ત્યારે રાજય સરકારે આવા ગરીબ પરિવારો માટે કઈ કરી છુટવુ જોઈએ તે વિચારવાનો સમય આવી ગયેલ છે અને રાજય સરકાર ખેડુતોના પરીવાર માટે ખેડુત અકસ્માત વિમા યોજના અમલમાં છે તે મુજબ ખેત મજુરો માટે શ્રમ વીભાગ દ્વારા યોજનાનુ અમલીકરણ થઈ રહ્યું છે આ યોજના રાજય સરકારના ફંડમાથી અમલ બનાવવામાં આવેલ છે. તો કોરોનાથી અવસાન પામતા ખેડુતો-ખેતમજુરોનો પણ ખાસ કીસ્સમાં ખેડુત અકસ્માત વિમા યોજનામાં સમાવેશ કરીને તાત્કાલીક ધોરણે નિર્ણય કરવો જરૂરી છે. અને તો જ ભોગ બનેલા કુટુંબો ભરણ પોષણ કરી શકશે તો તાત્કાલીક ધોરણે આ નિર્ણય કરવાની માંગ ઉઠાવી છે.