મોરબી : મોરબીના જનસેવક પરેશ પારીઆ દ્વારા મોરબી નગરપાલિકાના કરવેરામાં 50% રાહત આપવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરને માંગણી કરવામાં આવેલ છે. તેઓએ રજૂઆત કરી છે કે કોરોના રોગની વૈશ્વિક મહામારીથી ગુજરાત સહિત ભારતભરમાં લોકડાઉન છે. હાલ લોકડાઉનને એક માસ પૂરો થયો છે ત્યારે નાના અને મધ્યમ વર્ગની પરિસ્થિતી અતિ ગંભીર થતી જાય છે. ગુજરાત સરકાર દ્વારા તેઓ માટે અવાર-નવાર રાહતની જાહેરાતો કરવામાં આવે છે ત્યારે મોરબી નગરપાલિકાની પણ ફરજ બને કે મોરબીવાસીઓને નગરપાલિકાના વેરામાં રાહત આપે. કોરોના વૈશ્વિક મહામારી છે. જનજીવન અને રોજગાર સામાન્ય થતાં હજુ આગામી બે માસ કે તેથી પણ કદાચ વધુ સમય પણ લાગી શકે. તેથી, આગામી વર્ષના વેરામાં મોરબી નગરપાલિકા દ્વારા તમામને ૫૦% રાહત આપો. જે ખૂબ જ જરૂરી છે અને તે મોરબી નગરપાલિકાના તમામ 52 સદસ્યોના નિર્ણયથી થઈ પણ શકે તેમ છે. તો આગામી જનરલ બોર્ડમાં સર્વાનુમતે ઠરાવ કરી મોરબીની જનતાને કરવેરામાંથી રાહત આપો તેવી એક આમ નાગરિક તરીકેની માંગણી કરાઈ છે.