છેલ્લી ઘડીએ રેલવેએ ડબલ ટ્રેક રેલવેના આયોજનને કારણે ડિઝાઇનમાં કર્યો ફેરફાર : રેલવેની ડિઝાઇન સમયસર આવે તો માર્ચ મહિનામાં ઓવરબ્રિજનું કામ પૂરું થાય તેવી શક્યતામોરબી : સીરામીક મોરબી શહેરને સામાકાંઠા સાથે મયુરપુલ અને પાડાપુલને જોડતા રસ્તા પર નટરાજ રેલવે ફાટકને કારણે ભયંકર ટ્રાફિક સમસ્યામાંથી શહેરીજનોને મુક્તિ માટે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે.જો કે, ઓવરબ્રિજની કામની અવધિ પુરી થઇ ગઈ હોવા છતાં રેલવેતંત્રના કારણે ઓવરબ્રિજની કામગીરી હાલમાં અટકી પડી છે. રેલવેએ ડિઝાઇનમાં ફેરફાર કરતા હવે જો સમયસર બ્રિજની ફાઇનલ ડિઝાઇન આવે તો માર્ચ-2026માં ઓવરબ્રિજ ખુલ્લો મૂકી શકાય તેમ હોવાનું અને બ્રિજની 75 ટકા કામગીરી હાલમાં પૂર્ણ થઇ હોવાનું માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું હતું.મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારને જોડાતો એક માત્ર માર્ગ આવેલ હોય અહીં નટરાજ રેલવે ફાટકને કારણે કાયમી ટ્રાફિકજામ થતો હોવાથી પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના સમયે સરકાર દ્વારા મોરબી શહેરના નટરાજ ફાટકે ઓવરબ્રિજ પ્રોજેક્ટ મંજુર કર્યો હતો. જો કે, નટરાજ ફાટક રેલવે ઓવરબ્રિજની કામગીરી અંદાજે બે વર્ષથી ચાલી રહી છે અને ગત ઓક્ટોબર માસમાં ઓવરબ્રિજ નિર્માણની અવધિ પૂર્ણ થઇ હોવા છતાં બ્રીજનું કામ પૂર્ણ કરી શકાયું નથી. હાલમાં રેલવેતંત્ર દ્વારા ડિઝાઇનમાં વિલંબ, નગરપાલિકા સમયમાં ભૂગર્ભ લાઈન અને પાણીની લાઈન ફેરવવામાં ઢીલને કારણે બ્રીજનું કામ 75 ટકા જ પૂર્ણ થઇ શક્યું હોવાનું સામે આવ્યું છે.સમયસર ડિઝાઇન આવેતો માર્ચ-2026 માં કામ પૂર્ણ : માર્ગ મકાન વિભાગમોરબી માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ નટરાજ ફાટક રેલવે ઓવરબ્રિજ અંગે જણાવ્યું હતું કે, અગાઉ સિંગલ રેલવે ટ્રેકના હિસાબે રેલવે દ્વારા ડિઝાઇન આપવામાં આવી હતી પરંતુ હવે ડબલટ્રેક યોજનાને ધ્યાને લઈ રેલવે તંત્રએ ડિઝાઇનમાં ફેરફાર કરતા આગામી ચારેક મહિનામાં નવી ડિઝાઇન આવશે જે બાદ બે મહિનામાં બ્રિજની કામગીરી પૂર્ણ થઇ શકશે. હાલમાં 75 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. સાથે જ મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ લાઈન ફેરવવાની કામગીરી તેમજ કેસરબાગમાં પાણીની લાઈનની કામગીરી પૂર્ણ થઇ હોય માર્ચ-2026 સુધીમાં બ્રીજનું કામ પૂર્ણ થવાની શક્યતા જોવાઈ રહી છે.76 કરોડના ખર્ચે બની રહ્યો છે નટરાજ ફાટકે ટ્રાયેન્ગલ બ્રિજમોરબી શહેરમાં નગરપાલિકા શાસનમાં મંજુર કરાયેલ નટરાજ ફાટક રેલવે ઓવરબ્રિજની હાલમાં 75 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. શહેરની ટ્ર્રાફિક સમસ્યા નિવારવા રેલવે ઓવરબ્રિજ નિર્માણ કરવામાં આવી રહ્યો છે. જો કે, હાલમાં રેલવે તંત્રએ ડિઝાઇનમાં ફેરફાર કરતા બ્રિજની કામગીરી મંદ પડી છે ત્યારે અંદાજે રૂપિયા 76 કરોડના ખર્ચે નિર્માણ થનાર આ બ્રિજ 37 પિલર પર બનશે. જેમાં બ્રિજનો એક છેડો ત્રાજપર ચોકડી તરફ અને બીજો છેડો મહેન્દ્રનગર ચોકડી તરફ પૂર્ણ થઇ ટ્રાયેન્ગલ ઓવરબ્રિજ બનાવવામાં આવશે.