કૃષિમંત્રીએ તા.21થી ખરીદી શરૂ કરાવી દીધી : જિલ્લામાં બે સેન્ટર કાર્યરત કરાયા, શનિવાર સુધીમાં બે સેન્ટર ઉપર ખરીદી શરૂ કરાશેહળવદ : રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે. રાજ્યના કૃષિ મંત્રી દ્વારા પણ ગત તારીખ 21ના રોજ ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરવા માટે સેન્ટરો ચાલુ કરી દેવામાં આવ્યા હોવાનું કહ્યું હતું. જોકે મોરબી જિલ્લામાં મોરબી અને હળવદમાં આ માટે સેન્ટર નીમવામાં આવ્યા છે. પણ ત્યાં હજુ ટેકાના ભાવે ખરીદી ચાલુ ન થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક ખેડૂત પાસેથી મેક્સિમમ 90 મણ ચણાની ખરીદી કરશે.જેનો પ્રતિ મણનો ભાવ 1130 છે જ્યારે રાયડાની મિનિમમ 67 મણની ખરીદી કરવામાં આવશે. જેનો પ્રતિ મણનો ભાવ 1190 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.જેને લઇ હળવદ પંથકના ખેડૂતોએ ટેકાના ભાવે ચણા વહેંચવા માટે 3087 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જ્યારે રાયડો વેચવા માટે 385 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જોકે જાહેરાત થઈ ગઈ હોવા છતાં પણ હજુ સુધી હળવદમાં ટેકાના ભાવે ખરીદિ માટેનું સેન્ટર ચાલુ ન થતા ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે.બીજી તરફ ગુજકોમાસોલની દેખરેખ હેઠળ હળવદ ખરીદ વેચાણ સંઘ માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરનાર હોય જેથી હળવદ ખરીદ વેચાણ સંઘના મેનેજર દર્શનભાઈનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે. હવે વધીને આવતા બે દિવસમાં ખરીદી સેન્ટર ચાલુ કરવામાં આવશે જ્યાં જગ્યા મુજબ ખેડૂતોનાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આવી જ રીતે મોરબીમાં પણ આગામી બે દિવસમાં સેન્ટર ચાલુ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.