કોઠારીયા રોડ પર આવેલ ફોરેસ્ટ વીડીમાં લાકડા ચોરાતા હોવાના વિડીયો સામે આવ્યા, ફોરેસ્ટ વિભાગ અજાણ હોવાનો દાવો અને તપાસની ખાતરી આપીટંકારા : ટંકારા ઉગમણી સીમમાં કોઠારીયા રોડ પર આવેલી ફોરેસ્ટ વિભાગની વીડીમાં વેરણછેરણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. વીડીમાં લાકડા કાપનારાઓ દ્વારા દેશી બાવળનો સોથ વાળી દેવામાં આવતા સ્થાનિક પર્યાવરણપ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વીડીમાં ઘૂસીને કેટલાક લોકો દ્વારા દેશી બાવળ કાપી લાકડાની ચોરી કરવામાં આવતી હોવાના વિડીયો પણ સામે આવ્યા છે.આ અંગે ટંકારાના સોનલબેન ગીરીશભાઈ પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે, 2 દિવસ પહેલા જ આ લાકડાઓને કાપીને સોથ વાળી દેવામાં આવ્યો છે. તેઓ પોતાના ખેતરે આંટો મારવા ગયા હતા ત્યારે દેશી બાવળ કપાયેલા જોવા મળ્યા હતા. આ દ્રશ્યો જોઈને તેઓએ ફોરેસ્ટ વિભાગનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો અને આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવવાની માંગણી કરી છે.આ ગંભીર બાબતે ટંકારાના રેન્જ ફોરેસ્ટ ઓફિસરનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. ત્યારબાદ ફોરેસ્ટર મનોજ પંડિતનો સંપર્ક થતાં તેઓએ બચાવ કરતા જણાવ્યું હતું કે, આવી કોઈ બાબત તેમના ધ્યાન પર નથી. જોકે, તેમણે ખાતરી આપી હતી કે તાત્કાલિક ધોરણે જ્યાં બાવળ કાપવામાં આવ્યા છે તે સ્થળની તપાસ કરાવવામાં આવશે અને સ્થળ તપાસ કર્યા બાદ જ સમગ્ર પ્રક્રિયા અને કસુરવારો અંગે વધુ વિગતો માલુમ પડશે.#Tankara #TreeCutting #ForestDepartment #TankaraNews #Environment #GujaratNews #MorbiUpdate