માત્ર ઓડિયો - વીડિયો મેસેજ થકી પ્રજાને ગલગલીયા કરવાનું બંધ કરી નક્કર પગલાં ભરવા ટકોરમોરબી : મોરબી નગર પાલિકામાં બાવને બાવન સભ્યો ભાજપના હોવા છતાં પ્રજાના વિકાસ કામો કરવાને બદલે પાલિકાના હોદ્દેદારોએ સ્વંભંડોળનો આડેધડ દુરુપયોગ કર્યો હોવાનો ખુદ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ આરોપ લગાવ્યો છે. ત્યારે કોંગ્રેસે મૌકે પે ચૌકા મારી એક જાહેર નિવેદન કરી જણાવ્યું છે કે, મોરબીના ધારાસભ્ય વારંવાર નગરપાલિકામાં ભ્રષ્ટાચારની તપાસ માંગી છે... તપાસ માંગી છે એવી સુખીયાણી વાતો કરી પ્રજાને ગુમરાહ કરતા હોય તેવું લાગી રહ્યું છે. ખરેખર જો તપાસ કરવી હોય તો સરકાર પણ તમારી છે પાલિકા પણ તમારી છે આટલી વાર શા માટે ? તેવા તીખા સવાલો ઉઠાવી મોરબી પાલિકામાં ભાજપના શાસકોએ આચેરલ ભ્રષ્ટાચાર વહેલી તકે ઉજાગર કરવા માંગ ઉઠાવી છે.મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલઘારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી, તાલુકા કોગ્રેસ પ્રમુખ કે. ડી. પડસુબિયા અને પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીએ જાહેર નિવેદનમાં જણાવ્યું છે કે, મોરબીની એ ગ્રેડ નગરપાલિકા હાલ ડી ગ્રેડમાં હોય તેવી પ્રજાને અનુભૂતિ થાય છે. ગત ચૂંટણીમાં પ્રજાએ ભાજપ ઉપર વિશ્વાસ રાખી પૂર્ણ બહુમતી એટલે કે, 52 માંથી 52 સીટ ઉપર વિજેતા બનાવી પારદર્શક વહીવટ કરવા માટે લોકચુકાદો આપવામાં આવેલ પરંતુ પણ ભાજપના સદસ્યની અણઆવડત અને ભ્રષ્ટાચાર આચરવાના મનસુબા સાથે વહીવટ કરવામાં આવેલો તેના કારણે ભાજપના જ મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અવારનવાર પત્રકાર પરિષદમાં નગરપાલિકાના સ્વભંડોળ સાવ ખાલી છે અમે પ્રજાને પૂરી સુવિધા આપી શકતા નથી જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે તેમની સામે તપાસ કરશૂ આવી મોટી મોટી વાતો કરી પ્રજાને ગુમરાહ કરી રહયા હોવાની અનુભૂતિ લોકોને થઈ રહી છે.વધુમાં કોંગ્રેસના ચારેય આગેવાનોએ જણાવ્યું હતું કે, ખરેખર મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર થયેલ છે તેની તપાસ કરાવવા માગતા હોય તો હાલ ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે નગરપાલિકામાં પણ પોતાના કહ્યાગરા અધિકારીઓ મૂકવામાં આવેલા છે તો તેમણે ફક્ત અને ફક્ત હુકમ કરી કે જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે તેઓના નામ જાહેર કરી તેમની સામે ખુદ પોતે ફરિયાદી બની કડક કાર્યવાહી કરવી જોઈએ. જેમ ધારાસભ્ય શ્રી પત્રકાર પરિષદમાં કહે છે કે મે સંકલનની મિટિંગમાં આ બાબત રજૂઆત કરેલ છે તો જો તેમને ખરેખર રજૂઆત કરેલ હોય તો લેખિત પુરાવા રૂપે મીડિયા અને વર્તમાન પત્રોમાં એની કોપી દર્શાવી જોઈએ બાકી સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે વારંવાર વિડીયા ઓડિયો પત્રકાર પરિષદ કરી પ્રજાને ગુમરાહ કરવાનું બંધ કરવું જોઈએ.ઉલ્લેખનીય છે કે, નંદીઘર અને સ્ટ્રીટ લાઈટ ઉપરાંત રોડ રસ્તા અન્ય ખરીદીમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે તો મોરબીની પ્રજાએ ભરેલા ટેક્સના રૂપિયા ઉપરાંત ગ્રાન્ટના રૂપિયા પણ ઘર ભેગા કરવામાં આવ્યા છે તે બહાર આવે તેમ હોવાનું કોંગ્રેસના આગેવાનોએ જણાવી ઉમેર્યું હતું કે, ભાજપની સ્ટાઇલ પ્રમાણે લોકોને ગલગલીયા કરવાનુ બંધ કરી ધારાસભ્ય કાંતિલાલે નગરપાલિકાના તત્કાલીન પ્રમુખે કલમ 45(ડી)નો ગેર ઉપયોગ કરી લાખો રૂપિયાના કામમાં ભ્રષ્ટાચાર આચરેલ છે તેના પૈસા વસૂલ કરવવા જોઈએ અને ભાજપના ચૂંટાયેલા સદસ્યોએ કરેલ બેફામ ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે મન મક્કમ કરી ભ્રષ્ટાચારીઓના નામ જાહેર કરવા જોઈએ તેમ અંતમાં મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલઘારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી, તાલુકા કોગ્રેસ પ્રમુખ કે. ડી. પડસુબિયા અને પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીએ અંતમાં જણાવ્યુ હતું.