નંદીઘરમાં કેટલા ગૌવંશ રખાયા હતા ? કેટલાના મૃત્યુ ? નંદીઘર માટે કેટલો ખર્ચ કરાયો ? વહીવટદાર અને ચીફ ઓફિસર પ્રજા માટે આંકડો જાહેર કરે તેવી કોંગ્રેસની માંગ મોરબી : ભાજપ શાસિત મોરબી નગરપાલિકામાં છેલ્લા બે વર્ષ દરમિયાન દરેક કામોમાં ભયંકર ભ્રષ્ટાચાર થયેલ છે નીતિ નિયમોને નેવે મૂકી પોત પોતાના સ્વાર્થ માટે નગરપાલિકા ચલાવવામાં આવેલી છે તે જગજાહેર છે ત્યારે નગરપાલિકા દ્વારા મોરબી શહેરમાં રખડતા આખલાઓને રાખવા માટે નગરપાલિકા દ્વારા નંદી ઘર બનાવવામાં આવેલો પરંતુ હાલમાં આ નંદીઘરને નગરપાલિકાની તિજોરીમાં પૈસા ન હોવાના કારણે બંધ કરી દેવામાં આવેલ છે ત્યારે નંદીઘરમાં કેટલા ગૌવંશ રખાયા હતા ? કેટલાના મૃત્યુ ? નંદીઘર માટે કેટલો ખર્ચ કરાયો ? વહીવટદાર અને ચીફ ઓફિસર પ્રજા માટે આંકડો જાહેર કરે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરુ, માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારી, કે.ડી પડસુંબીયા તેમજ પૂર્વ કાર્યકારી અધ્યક્ષ એલ એમ કંજારિયા અને કોંગ્રેસ આગેવાન બાવરવાએ જણાવ્યું હતું કે, અગાઉ મોરબી પાલિકા દ્વારા નંદી ઘર બનાવવામાં આવેલ ત્યારે જે આખલાઓને પકડવામાં આવ્યા હતા તેની સંખ્યા ઘણી બધી હતી અને હાલ નંદીઘર માંથી આખલાઓને પાંજરાપોળમાં મૂકવામાં આવી રહેલા છે ત્યારે એ સંખ્યા ઓછી દેખાય છે તો આમાં આંકડાની માયાજાળ રચીને લાગતા વળગતાએ ભ્રષ્ટાચાર કરેલો હોય તેવું લાગી રહ્યું છે. વધુમાં નગરપાલિકા ખરેખર આ નંદી ઘરમાં છેલ્લા બે વર્ષ દરમિયાન કેટલા પશુઓ હતા અને પશુ દીઠ કેટલો ખર્ચ કરવામાં આવેલ છે તેમજ નદી ઘરમાં જે જે સગવડતા ઉભી કરવામાં આવેલી તેમાં કેટલો ખર્ચો થયેલ તેમજ નંદી ઘરમાં પહેલા દિવસથી આજના દિવસ સુધીમાં કેટલા આખલાઓને પશુઓને નિભાવમાં આવ્યા કેટલા પશુઓના મૃત્યુ થયા એ મૃત્યુ થયા તો ક્યારે થયા શા કારણે થયા અને નંદી ઘરમાં કેટલા કર્મચારીઓને રોજગાર ઉપર રાખેલા અને તેને કેટલું મહેનતાણું ચૂકવાયું તે તમામ બાબતનો મોરબી નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર વિગતવાર આંકડો જાહેર કરે તેવી માંગ કરી છે. પ્રજાના ટેક્સના પૈસામાંથી આ નંદી ઘર ચાલતું હતું તેથી પ્રજાને નંદી ઘર વિષે જાણવાનો હક્ક હોવાનું જણાવી મોરબી નગરપાલિકાના આ નંદીઘરમાં કેટલો ખર્ચ થયો અને કેટલો ભ્રષ્ટાચાર થયો અને કોને કોને ભ્રષ્ટાચાર કર્યો તેની નામાવલી નગરપાલિકાના નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ અંતમાં કોંગ્રેસી આગેવાનોએ ઉઠાવી છે.