પોલીસે ગુમસુદા નોંધી યુવાનની શોધખોળ હાથ ધરી મોરબી : મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ કંસારા શેરીમાં રહેતો યુવાન દેણુ વધી જતા લાપતા થઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાનના મોટાભાઈએ એ ડિવિઝનમાં ગુમસુદા નોંધાવી છે. આથી પોલીસે ગુમસુદા નોંધી યુવાનની શોધખોળ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ કંસારા શેરીમાં રહેતો દિપકભાઈ ઉર્ફે ગટુ સગુણદાસ કાગડા (ઉ.વ.40) નામનો યુવાન ગત તા.28 માર્ચના રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામા ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. બાદમાં સમયસર પરત ન ફરતા તેના પરિવારજનોએ સગા-સબધીમાં શોધખોળ કરી હતી. પરંતુ આજદિન સુધી તેનો પત્તો ન લાગતા અંતે યુવાનના વાસણ રીપેરીંગનું કામ કરતા મોટાભાઈ અશ્વિનભાઇ સગુણદાસ કાગડાએ ગઈકાલે એ ડિવિઝનમાં પોતાનો ભાઈ ગુમ થયાની નોંધ કરાવી હતી અને તેમણે પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું કે, ગુમ થનાર આર્થીક સંકડામણમા હોય અને દેણુ વધી જતા પોતાના ઘરેથી કયાંક જતા રહેલ છે. આથી પોલીસે આ બનાવની નોંધ કરી યુવાનની શોધખોળ હાથ ધરી છે. આ બનાવની આગળની તપાસ એ ડિવિઝનના એ.એસ.આઈ વી.એ.રાણા ચલાવી રહ્યા છે.