મોરબી : મોરબીના બાયપાસ પર જૂની આરટીઓ કચેરીને જોડતા પુલ નીચે મચ્છુ -3 ડેમ સાઇટ નજીક નદીમાં અસંખ્ય માછલાઓના ભેદી રીતે મોત નિપજ્યા હતા. નદીમાં આજે માછલાંઓના મૃતદેહ તરતા જોવા મળતા જીવદયાપ્રેમીઓમાં અરેરાટી મચી ગઇ છે.મોરબીમાં થોડા દિવસ પહેલા ઘુંટુ નજીક અસંખ્ય માછલાંઓના મોત થયાની ઘટના બહાર આવી હતી. જેમાં કેમિકલયુક્ત પ્રવાહી નખાતા આ માછલાઓના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે બીજા એક બનાવમાં જૂની આરટીઓ કચેરી મોરબી નજીક અનેક માછલાંઓના મોત થયાનો બનાવ સામે આવ્યો છે. વધુમાં મોરબી બાયપાસ ઉપર જૂની આરટીઓને જોડતા પુલ નીચે વહેતી મચ્છુ નદીમાં આજે અસંખ્ય માછલાંઓના મોત નિપજ્યા હતા અને નદીના પાણી ઉપર તરતા મોટી સંખ્યામાં માછલાંના મૃતદેહો મળી આવતા જીવદયાપ્રેમીઓમાં અરેરાટી મચી ગઇ છે. આથી જવાબદાર તંત્ર આ બાબતે યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.