આપઘાત કરતા પૂર્વે મૃતક યુવાને સ્યુસાઇડ નોટ કવરમાં નાખી મિત્રને સોંપી મોરબી : મોરબીના આરટીઓ પુલ પાસે આવેલ મચ્છુ -3 ડેમમાં ઝંપલાવીને યુવાને આપઘાત કરી લીધો હતો. આ યુવાને આપઘાત કરતા પહેલા એ કવર તેના મિત્રને આપ્યું હતું અને વીમાવાળાને એ કવર આપવાનું કહ્યું હતું. જો કે આ યુવાન ગુમ થઈ ગયા બાદ પરિવારજનોને મિત્ર પાસેથી મેળેલા કવરને ખોલીને જોયું તો સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં ગરદન અને કમરના દુ:ખાવાથી કંટાળી અંતિમ પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો હતો. મોરબી તાલુકા પી.એસ.આઇ. ગોઠણીયાએ આ બનાવની વિગતો આપતા જણાવ્યું હતું કે, મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આઈકોન એપાર્ટમેન્ટમાં રહેતા આશિષભાઈ થોભણભાઈ જાકાસણીયા (ઉ.વ. 35) નામનો યુવાન ગઈકાલે ઘરેથી નીકળ્યા બાદ સમયસર પરત ન ફરતા તેના પરિવારજનોએ શોધખોળ કરી હતી. ખાસ કરીને યુવાનના મિત્રોને પૂછપરછ કરતા એક મિત્રએ કહ્યું હતું કે મને આજે આશિષએ એ કવર આપ્યું હતું. એ કવર વિમાવાળાને આપવાનું કહ્યું હતું. આથી પરિવારજનોએ કવર ખોલીને જોતા અંદરથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પોતે આપઘાત કરવા જતાં હોવાનું જણાવ્યું હતું. આથી, પરિવારજનોએ તે દિશામાં તપાસ કરી હતી. દરમિયાન યુવાનનું સ્કૂટર અને ચપ્પલ આરટીઓ કચેરી પાસેના પુલ નજીક મચ્છુ-3 ડેમ પાસેથી મળી આવ્યા હતા. આથી, યુવાને આ ડેમમાં મોતની છલાંગ લગાવી હોવાની આશંકાએ પોલીસ અને ફાયર બ્રિગ્રેડને જાણ કરવામાં આવી હતી. આ ફાયર બ્રિગ્રેડ દ્વારા ડેમમાં શોધખોળ કરતા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આથી, પોલીસે લાશનો કબ્જો મેળવીને પી.એમ.અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. આ બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે યુવાને આપઘાત કરતા પહેલા જે સ્યુસાઇડ નોટ લખી હતી. તેમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે, પોતાને ગરદન અને કમરની અસહ્ય બીમારી છે અને કમરનો દુ:ખાવો સહન થતો નથી. હોસ્પિટલમાં ઓપરેશન કરાવવા જવામાં બીક લાગે છે. આથી, આ બીમારી કંટાળીને આપઘાત કર્યોનું જણાવ્યું હતું. પોલીસે આ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.